ભાવનગરના સિહોર અને પાલિતાણા ખાતે તાઉ’ તે વાવાઝોડાને પગલે થયેલ નુકસાન તથા પુનઃસ્થાપનની સર્વગ્રાહી સમીક્ષા કરતા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

હિન્દ ન્યૂઝ, ભાવનગર

     શિક્ષણ મંત્રી અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી એ સિહોર અને પાલીતાણા પ્રાંત કચેરી ખાતે જિલ્લામાં તાઉ’ તે વાવાઝોડાને કારણે થયેલ નુકસાન તથા પુનઃસ્થાપન અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

ભાવનગર જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા તાઉ’ તે વાવાઝોડા વખતે રાજ્ય સરકારની અગાઉથી સતર્કતા તથા વાવાઝોડા બાદ તંત્ર સાથે લોકોની સહભાગીદારી અને સક્રિયતાથી થયેલ કામગીરીને કારણે ઓછામાં ઓછું નુકસાન થયું છે.

મંત્રીએ ૧૮૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાને કારણે જિલ્લામાં વીજ પુરવઠાને મોટાપાયા પર અસર થઈ છે, તો બાગાયતી પાકોને પણ ખૂબ જ નુકસાન થયું છે. આ બંને ક્ષેત્રમાં ભાવનગર જિલ્લામાં ઝડપથી કામગીરી થઇ છે. કૃષિ પાકોના નુકસાનીનો પણ ઝડપથી સર્વે કરી તે અંગે રાજ્ય સરકારે જાહેર કરેલા ઉદારતમ સહાયની મંત્રીએ વિગતો પૂરી પાડી હતી.

તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા જે સહાય -મદદ તથા કેશડોલ્સની ચૂકવણી થઈ રહી છે. તેમાં સાચો વ્યક્તિ રહી ન જાય અને ખોટો વ્યક્તિ લઈ ન જાય તે પ્રમાણે સંવેદનશીલતા થી કાર્ય કરવા અધિકારીઓને જણાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા ખેતીમાં નુકસાન માટે પ્રતિ હેક્ટર રૂપિયા ૧ લાખ જેવી ઉદારતમ સહાય જાહેર કરી છે. ભાવનગર મોટા પ્રમાણમાં બાગાયતી ખેતી કરતો જિલ્લો છે ત્યારે તેનો મોટો લાભ જિલ્લાના ખેડૂતોને મળવાનો છે.

મંત્રી કાચા ઝુંપડા-મકાન, વીજ પુરવઠો, પાણી પુરવઠો, ખેતી, પશુપાલન વગેરે અંગેની ઝીણામાં ઝીણી વિગતો મેળવી દરેક ગામમાં વીજ પુરવઠો, પાણી પુરવઠો ઝડપથી પૂર્વવત કરવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું.

મંત્રીએ વાવાઝોડામાં ભાવનગર જિલ્લામાં અસરકારક કામગીરી કરી છે તે માટે ઉપસ્થિત અધિકારીઓને અભિનંદન આપ્યા હતા.

તેમણે કહ્યું કે, વરસાદની સિઝન નજીકમાં છે. વરસાદ આવશે તો વીજપુરવઠો પુનઃસ્થાપિત કરવામાં મુશ્કેલી ઊભી થશે. તેથી પડી ગયેલા થાંભલા ઝડપથી ઊભા થાય તે સમયની જરૂરિયાત છે. ખેડૂતોને પણ સીઝન પહેલા વીજળી મળે તે માટે ઝડપથી કામગીરી હાથ ધરવામાં તેમણે સૂચન કર્યું હતું.

મંત્રી અમરગઢ ખાતે પડી ગયેલ લીંબુના છોડની વાડીમાં જઈ લીંબુના છોડને બેઠાં કરવા શું કરી શકાય તે માટે કૃષિ વિભાગના વૈજ્ઞાનિકોને પણ કામે લગાડયા છે. છોડને ઉભા કરવા માટેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વૈજ્ઞાનિકોના સહકારથી છેવાડાના ખેડૂત સુધી પહોંચે તે માટે કૃષિ વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

મંત્રીએ જેસર ખાતે ખેડૂતો સાથે ખેતીવાડી પાકો તેમજ બાગાયતી પાકોમાં થયેલા નુકસાન આ અંગે સમીક્ષા હાથ ધરી જરૂરી મદદની ખાતરી આપી હતી.

મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે કોરોના સાથે તાઉ’ તે વાવાઝોડાનો સામનો કર્યો છે. આમ, બંને મહામારી વચ્ચે રાજ્ય સરકારે ઝડપથી કાર્ય કર્યું છે. જેથી રાજ્યમાં જનજીવન ફરીથી ધબકતું થયું છે.

કોરોનામાં વિકસિત દેશો પણ ભૂલા પડ્યાં છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની કામગીરીને કારણે અર્થતંત્ર સાથે ઘણું બધું ટકી ગયું છે. આ ઉપરાંત કોરોનાની ત્રીજી લહેર આવે તો તે માટેની પૂર્વતૈયારી પણ રાજ્ય સરકારે કરી છે તેની રૂપરેખા તેમણે આપી હતી.

મંત્રીએ કોરોના અંગે હજુ પણ સતર્કતા રાખી સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું, સેનીટાઇઝરનો ઉપયોગ કરવો વગેરે જેવી માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે.

તેમણે કહ્યું કે, વાવાઝોડા બાદ રાજ્ય સરકારે લોકોની અપેક્ષા પર ખરા ઉતરીને કાર્ય કર્યું છે. સિહોર તાલુકાના ટાણા ગામો પાણી ભરેલા તળાવમાં ઉતરીને વીજપુરવઠો પુન પુનઃસ્થાપિત કરવા કામગીરી કરનાર લાઈન ઇન્સ્પેક્ટર નિમાવતની કામગીરીની પણ પ્રશંસા કરી તેમનામાંથી પ્રેરણા લઇ કાર્ય કરવા ઉપસ્થિત અધિકારીઓને સૂચન કર્યું હતું.

મંત્રીએ આ અવસરે ઉપસ્થિત જિલ્લાના પદાધિકારીઓને પણ લોકોના કામમાં સહભાગી થઈ આ આફતના સમયે સહાય મદદ કરવા અનુરોધ કર્યો હતો.

આ સમીક્ષા બેઠકમાં ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળિયા, શિહોર પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ, પાલીતાણા પ્રાંત અધિકારી ડો.સંદિપકુમાર વર્મા, ઘનિષ્ઠ અધિકારીઓ તથા જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment