બોરીયાવી થી આણંદ પ્રસ્‍થાન થયેલ દાંડી યાત્રાના માર્ગમાં લાંભવેલ ગામ સહિત આણંદ ખાતે દાંડી યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

હિન્દ ન્યૂઝ, આણંદ

આઝાદીનો અમૃત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડી યાત્રા આજે તા. ૧૬મીના રોજ પાંચમા દિવસે ખેડા જિલ્‍લાના નડિયાદ ખાતેથી પ્રસ્‍થાન થઇને બોરીઆવી ગામે દાંડી યાત્રા આવી પહોંચતા કૃષિ રાજય મંત્રી જયદ્રથસિંહજી પરમારે દાંડી યાત્રિકોનું સ્‍વાગત કરી તેમની સાથે વિશ્રામ સ્‍થળ સુધી પગપાળા જોડાયા હતા અને સૌનું અભિવાદન ઝીલ્‍યું હતું. બોરીયાવી ખાતે દાંડી યાત્રિકો આવી પહોંચ્‍યા બાદ તેઓનું ભવ્‍ય સ્‍વાગત અને સન્‍માન કરાયા બાદ દાંડી યાત્રિકોના માટે ઉભા કરવામાં વિશ્રામ સ્‍થળ પ્રાથમિક કુમાર શાળા ખાતે દાંડી યાત્રીકોએ ભોજન લીધા બાદ વિશ્રામ કર્યો હતો.

બપોરના વિરામ બાદ બોરીયાવી ખાતેથી આણંદ તરફ જવા દાંડી યાત્રિકોને કૃષિ રાજય મંત્રી જયદ્રથસિંહ પરમાર, જિલ્‍લા કલેકટર આર. જી. ગોહિલ, જિલ્‍લા વિકાસ અધિકારી આશિષકુમાર અને ગ્રામજનોએ ભાવભરી વિદાય આપી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. જયારે દાંડી યાત્રિકો સાથે કૃષિ રાજય મંત્રી જયદ્રથસિંહજી પરમાર, જિલ્‍લા કલેકટર આર. જી. ગોહિલ, જિલ્‍લા વિકાસ અધિકારી આશિષકુમાર, જિલ્‍લાના અગ્રણીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા.


આ પ્રસંગે ભારત માતા કી જય, વંદે માતરમ, મહાત્‍મા ગાંધી અમર રહોના નાદથી સમગ્ર વાતાવરણ દેશભકિતના રંગે રંગાઇ જવા પામ્‍યું હતું. દાંડી યાત્રિકો સાથે એક વિદ્યાર્થી ગાંધી બાપુની વેશભૂષામાં સજજ થઇને યાત્રામાં અગ્રેસર રહેતાં તેને દાંડી યાત્રિકો અને ગ્રામજનો તથા શહેરીજનોમાં આકર્ષણ જમાવ્‍યું હતું.


મંત્રી પરમારે પ્રસ્‍થાન કરાવેલી આ દાંડી યાત્રિકો સાથે ગ્રામજનો પણ મોટી સંખ્‍યામાં જોડાયા હતા. બોરીયાવી ખાતેથી પ્રસ્‍થાન પામેલ દાંડી યાત્રાનું માર્ગમાં ઠેરઠેર ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્યું હતું. દાંડી યાત્રિકો માટે માર્ગમાં ઠેરઠેર ઠંડા પાણી, ઠંડા પીણા, છાસની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. દાંડી યાત્રિકો લાંભવેલ ગામે આવી પહોંચતા ગામના સરપંચ મહેશભાઇ રાઠોડ સહિત ગ્રામજનો દ્વારા યાત્રિકોનું સૂતરની આંટીથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. યાત્રિકોએ લાંભવેલ ગામ પાસે આવેલ પૂ. મહાત્‍મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ભાવાંજલિ અર્પી હતી. લાંભવેલ ગામે દાંડી યાત્રા આવી પહોંચતા આણંદના સાંસદ મિતેષભાઇ પટેલ દાંડી યાત્રાનું સ્‍વાગત કર્યું હતું અને યાત્રિકો સાથે પગપાળા જોડાયા હતા. યાત્રા સાથે ગાંધી બાપુની વેશભૂષામાં સામેલ બાળકનું એક બાળકે અભિવાદન કરતાં લોકોમાં જોમ-જુસ્‍સો વધવા પામ્‍યો હતો.

લાંભવેલ ગામના ગ્રામજનોએ રસ્‍તાની બંને બાજુએ ઉભા રહીને યાત્રિકો પર પુષ્‍પવર્ષા કરી હતી. તેમજ માર્ગમાં ઠેરઠેર નાગરિકો, વ્‍યાપારીઓ, ખાનગી કંપનીઓ દ્વારા યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ સમયે ડી.જે. ઢોલ-નગારાથી ભવ્‍ય સ્‍વાગત કરવાની સાથે દેશભકિતના ગીતો વગાડવામાં આવ્‍યા હતા. દેશભકિતના ગીતો વાગતા હોવાને કારણે સમગ્ર વાતાવરણમાં દેશભકિતની એક અલગ ખુશ્‍બુ પ્રસરવા પામી હતી. ધીમે ધીમે લાંભવેલ ગામથી પસાર થઇ રહેલી દાંડી યાત્રાએ આણંદ શહેરમાં પ્રવેશ કર્યો હતો. આણંદ શહેરમાં પ્રવેશ પામેલ દાંડી યાત્રા આણંદ શહેરના જે માર્ગો પરથી પસાર થઇ તે માર્ગ પર દાંડી યાત્રિકો પર સાધુ-સંતો, શહેરીજનો અને વરિષ્ઠ નાગરીકોએ દ્વારા ફૂલો વરસાવીને ભાવસભર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

આણંદ શહેરમાંથી પસાર થતાં નગરપાલિકા ભવન ખાતે દાંડી યાત્રા આવી પહોંચતા વેપારીઓ અગ્રણી વિપુલભાઇ પટેલ, નિરવભાઇ પટેલ મહેશભાઇ પટેલ, દિપકભાઇ પટેલ, યોગેશભાઇ પટેલ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ સહિત કાઉન્‍સિલરો, ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે દાંડી યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું. નગરપાલિકા ભવન ખાતે સ્‍વાગત કરાયા બાદ યાત્રિકો આણંદ ખાતેના નિર્ધારીત મુકામ ડી.એન.હાઇસ્‍કૂલ ખાતે આવી પહોંચતા યાત્રિકોનું ડી.એન.હાઇસ્‍કૂલ ખાતે હાઇસ્‍કૂલના ટ્રસ્‍ટીઓ, અગ્રણીઓ, પદાધિકારીઓ દ્વારા ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. પૂ. મહાત્‍મા ગાંધીજીની મૂળ દાંડીયાત્રા ૧૯૩૦ના માર્ચના તા.૧૬મીના રોજ ડી.એન.હાઇસ્‍કૂલ ખાતે યાત્રિકો સાથે રાત્રિ રોકાણ કર્યું હતું તે મુજબ આ દાંડી યાત્રાના યાત્રિકો રોકાણ કરશે. અને આજે તા.૧૭મીના રોજ આણંદ ખાતેની ડી.એન.હાઇસ્‍કૂલ ખાતે જ વિશ્રામ કરશે.

રિપોર્ટર : બળદેવસિહ બોડાણા, આણંદ

Related posts

Leave a Comment