ઉત્તરસંડા મુકામે આઝાદીનો અમૃત મહોત્‍સવ વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજભાઇ દેસાઇની અધ્યક્ષતામાં યોજાયો

હિન્દ ન્યૂઝ, ઉત્તરસંડા

            આઝાદીના ૭૫માં વર્ષે ભારતના માન.વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતેથી દાંડીયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીના ભાગરૂપે તા.૧૨-૦૩-૨૦૨૧ના રોજ ખેડા જિલ્‍લામાં પાંચ સ્‍થળોએ આઝાદીનો અમૃત મહોત્‍સવ ઇન્‍ડીયા @ 75 મહાનુભાવોની ઉપસ્‍થિતિમા યોજાયો હતો જેમાં મુખ્‍ય કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજભાઇ દેસાઇની અધ્યક્ષતામાં ભારત હાઇસ્‍કૂલ, ઉત્‍ત્‍રસંડા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્‍લામાંથી ખેડા, માતર અને નડિયાદ તાલુકામાંથી દાંડીયાત્રા પસાર થનાર છે. મુખ્‍ય દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્‍યું હતુ કે, રાષ્‍ટ્રપિતા પૂજય મહાત્‍મા ગાંધીજીએ સવિનય કાનૂન ભંગ માટે તા.૧૨મી માર્ચ ૧૯૩૦ના રોજ મીઠા પર લગાવેલ કરના વિરોધમાં શરૂ કરેલ હતી અને આ યાત્રા અમદાવાદ સાબરમતી આશ્રમથી લઇ નવસારી જિલ્લાના દાંડી મૂકામે સમાપ્‍ત થયેલ હતી.

           આ યાત્રામાં ૨૦ વર્ષથી ૬૦ વર્ષની ઉંમરના ૮૧ યાત્રીકો જોડાયા હતા. યાત્રા રાજયના આઠ જિલ્‍લાના ૪૮ ગામોમાંથી પસાર થયેલ હતી. જે દરરોજ અંદાજે ૧૮ માઇલ જેટલું અંતર કાપતી હતી. તે વખતે જુદી જુદી અગીયાર (૧૧) જેટલી માંગણીઓ માટે વાઇસરોયને જાણ કરવામાં આવી હતી પરંતુ તેઓએ આ માંગણીઓનો અસ્‍વીકાર કરેલ હતો. આ યાત્રામાં દેશના ખૂણે ખૂણેથી માણસો આવ્‍યા હતા. યાત્રા જયાં પૂર્ણ થયેલ તે દાંડી મૂકામે પણ એક મેમોરીયલ સ્‍મારક બનાવવામાં આવેલ છે અને તેનો તબકકાવાર વિકાસ કરવામાં આવ્‍યો છે. ત્‍યાં દુનિયાના ખ્યાતનામ શિલ્‍પકારો દ્વારા યાત્રીકોના શિલ્‍પો બનાવવામાં આવ્‍યા છે. દાંડીયાત્રાના યાત્રીકોએ જોયેલ ભારતના સ્‍વપ્‍નને સાકાર કરવાનો સમય આવી ગયો છે.

             સમગ્ર દેશમાં આ અમૃત મહોત્‍સવ ૭૫ અઠવાડિયા સુધી ચાલશે અને ૭૫ જેટલા સ્‍થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. દેશના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી બાજપાઇએ જણાવ્‍યું હતું કે, ભારત એ જીવતો જાગતો રાષ્‍ટ્રપુરુષ છે. ખાલી જમીનનો ટુકડો નથી. તેના માટે બલિદાન આપનાર વીર નરબંકોઓને યાદ કરવાનો અવસર છે. અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિની ઝંખનાની શરૂઆત છેક ૧૮૫૭ના વિપ્‍લવથી થઇ હતી. અનેક નામી અનામી વીર સપૂતોના બલિદાનને અંતે આપણને આઝાદી મળી છે. તેને ફકત પર્વ નહિ પણ જન જનનું પર્વ બનાવવાનું છે અને એક ભારત શ્રેષ્‍ઠ ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનું છે. આ યાત્રામાં નડિયાદ અને ઉત્તરસંડાનુ વિશીષ્‍ટ યોગદાન રહેલ છે તેમ તેઓએ ઉમેર્યું હતું.


        કાર્યક્રમની શરૂઆતમાં રાષ્‍ટ્રભક્તિના અને પૂજય મહાત્‍મા ગાંધીજીને પ્રિય ભજનોની રમઝટ ગાયક વૃંદ દ્વારા કરી વાતાવરણને દેશભક્તિમય બનાવી દેવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રગટાવીને કરવામાં આવી હતી તેમજ ઉપસ્‍થિત મહેમાનોનું પુષ્‍પગુચ્છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. મહેમાનો દ્વારા પૂજય મહાત્‍મા ગાંધીજીની છબીને સૂતરની આંટી અર્પણ કરવામાં આવી હતી. તેમજ ગાયક વૃંદ દ્વારા નરસિંહ મહેતાની કૃતિ અને પૂજય મહાત્‍મા ગાંધીજીને પ્રિય ભજન “વૈષ્‍ણવ જન તો તેને રે કહિએ” રજૂ કરવામાં આવ્‍યું હતું. આભાર વિધિ જિલ્‍લા ખેતીવાડિ અધિકારી સોનારાએ કરી હતી.


            આ કાર્યક્રમમાં જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલ, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા, પ્રાંત અધિકારી એમ.કે.પ્રજાપતિ, ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક ઝાલા, જિલ્‍લા કાનૂની લીગલ સેલના આર.એલ.ત્રિવેદી, મામલતદાર(ગ્રામ્ય) રાઠોડ, ઉત્તરસંડાના સરપંચ શ્રીમતી વિદિશાબેન સહિત મોટી સંખ્‍યામાં નગરજનો ઉપસ્‍થિત રહયા હતા. ખેડા જિલ્‍લામાં ખેડા ખાતે એચ.એન્ડ.ડી.પારેખ હાઈસ્કુલમાં સાંસદ દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં, મહુધા ખાતે બાવિસી સમાજની વાડીમાં ગુજરાત રાજય વક્ફ બોર્ડના અધ્યક્ષ સજ્જાદ હીરાની અધ્યક્ષતામાં, ડાકોર ખાતે પુનીત હોલમાં ખેડા જિલ્‍લા પંચાયત નયનાબેન પટેલની અધ્યક્ષતામાં, માતર ખાતે એન.સી.પારેખ હાઇસ્‍કૂલમાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો હતો.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment