હિન્દ ન્યુઝ, ડાંગ
તાજેતરમાં રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં જળાશયો (નદી, તળાવ, નહેર) માં ડૂબી જવાથી મૃત્યુ થવાની દુર્ઘટનાઓ ધ્યાને આવતાં, ડાંગ જિલ્લામાં આવી કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એચ.એમ. જણકાટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS) ની કલમ-૧૬૩ હેઠળ મળેલી સત્તાની રૂએ ડાંગ જિલ્લામાં આવેલા તમામ ભયજનક જળાશયો, નદીઓ, તળાવો, અને ધોધમાં નાહવા કે પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.
આ જાહેરનામા મુજબ, આહવા, વઘઇ અને સુબીર તાલુકાના કુલ ૬૩ જોખમી અને ભયજનક સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે નીચેના સ્થળોનો સમાવેશ થાય છે. ૧). આહવા તાલુકામાં બારદા ધોધ, ડોન હિલ સ્ટેશન, અંજનકુંડ ધોધ, આહવા તળાવ, સાપુતારા સર્પ ગંગા તળાવ, ભીસ્યા ડેમ, નીલસાકયા ડેમ અને અન્ય ચેકડેમ/સ્ટોરેજ ટાંકાઓ, ૨). વઘઇ તાલુકામાં ગીરા ધોધ (આંબાપાડા), ભીગુ ધોધ, માયાદેવી નદીનો પટ, મિલન ધોધ, ચીખલા ધોધ અને વિવિધ ચેકડેમ/સ્ટોરેજ ટાંકાઓ. અને ૩). સુબીર તાલુકામાં પંપા સરોવર નદીનો પટ, ગીરા ધોધ (ગીરમાળ), યુ ટર્ન (ગીરમાળ) તેમજ જામન્યામાળ અને ગાવદહાડ સહિતના ચેકડેમ અને સ્ટોરેજ ટાંકાઓ.
આ તમામ સ્થળોએ નહાવા કે અન્ય કોઈપણ પ્રવૃત્તિઓ માટે પ્રવેશવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે.
આ જાહેરનામું તા. ૨૪/૦૮/૨૦૨૬ થી તા. ૨૨/૧૦/૨૦૨૬ સુધી સમગ્ર ડાંગ જિલ્લામાં અમલમાં રહેશે. જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે અથવા ઉલ્લંઘન કરતો જણાશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરની કક્ષાના અધિકારીઓને ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર જનતા અને તમામ પ્રવાસીઓને સુરક્ષાના હિતમાં આ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
