હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લામાં તમાકુ અને વ્યસનના દૂષણને ડામવા તેમજ યુવા પેઢીને જાગૃત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સાપુતારા ખાતે દંડનીય કાર્યવાહી અને વઘઇ ખાતે ‘રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ જાગૃતિ કાર્યક્રમ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
તા. ૨૫-૦૬-૨૦૨૬ના રોજ સાપુતારા ખાતે ચાલી રહેલા મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ (COTPA-2003) ના કડક અમલીકરણ માટે પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ અને એસ.ટી. ડેપો વિભાગ દ્વારા સંયુક્ત રીતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા કસૂરવારો સામે કુલ ૧૩ કેસ નોંધી રૂ. ૨૫૦૦/- નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સ્થાનિક દુકાનદારોને COTPA કલમ-૬(અ) મુજબ ‘૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ છે’ તેવા બોર્ડ દુકાનો પર ફરજિયાત લગાવવા સૂચના આપવામાં આવી હતી.
તેમજ તા. ૨૪-૦૮-૨૦૨૬ના રોજ સપ્તધારા પ્રકલ્પ અંતર્ગત વઘઇની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ૧૩૧ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં આરોગ્ય શાખાના સોશિયલ વર્કર રસીલા સી. ચૌધરી દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી તમાકુના ગંભીર નુકસાન અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી. તેમણે COTPA-2003 ની કલમ ૪ (જાહેર સ્થળે ધૂમ્રપાન પર પ્રતિબંધ), કલમ ૫ (જાહેરાત પર પ્રતિબંધ), કલમ ૬ (અ,બ) (સગીર વયના અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ વેચાણ પર પ્રતિબંધ), તેમજ કલમ ૭, ૮ અને ૯ (ચેતવણી વિના વેચાણ પર પ્રતિબંધ) અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. તમાકુમાં રહેલા ૪૦૦૦ જેટલા હાનિકારક તત્વો, નિકોટીન (કીટનાશક), પરોક્ષ ધૂમ્રપાનની અસરો, કેન્સર અને શ્વાસના રોગો અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.
શાળા આરોગ્ય કાર્યક્રમ (RBSK) ટીમના ડૉ. દિવ્યેશ ગાયકવાડે ૦ થી ૧૮ વર્ષના બાળકોમાં નાની ઉંમરે વ્યસનથી થતા ગંભીર રોગો અંગે ચેતવણી આપી હતી.
કાર્યક્રમમાં ભારત સરકારના સ્વાસ્થ્ય અને શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ‘તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા ‘ ની માર્ગદર્શિકાના ૯ મુદ્દાઓનું પ્રેઝન્ટેશન કરી, તેના ચુસ્ત અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. કોલેજ કેમ્પસમાં ToFEI નું પોસ્ટર પણ લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ પાસે વ્યસનમુક્તિનો સંકલ્પ લેવડાવી, જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી અને IEC પેમ્ફલેટ્સનું વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં વઘઇ કોલેજના આચાર્ય ડૉ. જે.એમ. ભોયા, કોલેજ પરિવાર, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સ્વાતી પવાર, ડૉ. દિવ્યેશ ગાયકવાડ, સોશિયલ વર્કર રસીલા ચૌધરી તેમજ આરોગ્ય વિભાગના સુપરવાઈઝર, MPHW, FHW અને CHO સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
