હિન્દ ન્યુઝ, વડોદરા
“૭૭”માં વન મહોત્સવની વડોદરા જિલ્લા કક્ષાની ઉજવણી મહિલા અને બાળ કલ્યાણ, સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્ય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાત, કુંઢેલા ખાતે યોજાઈ હતી.
આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ, સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન વકીલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજની જેન્ઝી અને અલ્ફા જનરેશન ટેકનોલોજીના યુગમાં જીવી રહી છે. ત્યારે તેમને કુદરત અને હરિયાળી સાથે જોડવા અત્યંત જરૂરી છે. તેમણે માત્ર છોડ રોપવાથી ફરજ પૂરી થતી નથી પરંતુ તેનું યોગ્ય જતન કરવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં ચાલતા અભિયાન ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત દરેક નાગરિકે પોતાની માતાના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ એમ આગ્રહ કર્યો હતો.
મંત્રીએ શહેરોમાં વધતા કોંક્રિટના જંગલો અને ઘટી રહેલા વૃક્ષોને કારણે એલનિનો અને હાલ નેપાળમાં આવેલા ફ્લેશ ફ્લડ જેવી ગંભીર કુદરતી આફતોનો સામનો કરવો પડી રહ્યો છે એમ જણાવી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા, ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા, LED બલ્બ અને સોલાર સિસ્ટમનો ઉપયોગ વધારવા હાકલ કરી હતી. અંતે તેમણે ઉપસ્થિત તમામ નાગરિકોને પોતાના ઘર, સોસાયટી કે માર્ગોની આસપાસ એક વૃક્ષ વાવીને વડોદરાને હરિયાળુ બનાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.
ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, પર્યાવરણીય સંતુલન માટે ઓછામાં ઓછું ૩૩% ગ્રીન કવર હોવું જરૂરી છે હાલમાં આપણી પાસે માત્ર ૧૧% જેટલું જ ગ્રીન કવર છે ત્યારે આ ચિંતાનો વિષય છે. આપણી હિન્દુ સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં પણ વૃક્ષોનું વિશેષ ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તેમણે સૌને પોતાની આસપાસના વિસ્તારમાં વૃક્ષોરોપણ કરવા આહવા્ન કર્યું હતું.
ગુજરાત વન વિકાસ નિગમના મેનેજીંગ ડિરેક્ટર ડૉ.એ. પી. સિંહએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં વન મહોત્સવ હેઠળ કરોડો રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. ૨૦૨૫ની વૃક્ષ ગણતરી મુજબ વડોદરા જિલ્લો ૨.૮૫ કરોડ વૃક્ષો અને પ્રતિ હેક્ટર ૭૫.૬૨ વૃક્ષોની ઘનતા સાથે રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો છે. તેમણે વડોદરામાં નદી કિનારા, પડતર જમીનો પર વૃક્ષારોપણ કરી વન વિસ્તાર વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
સામાજિક વનીકરણ વિભાગ વડોદરાના નાયબ વન સંરક્ષક ડી. કે. સાધુએ સ્વાગત પ્રવચન કરતા વડોદરા જિલ્લામાં નાયબ વન સંરક્ષકની કચેરી દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરી વિશે, વન મહોત્સવની શૃંગલા વિશે તથા નેશનલ ફોરેસ્ટ પોલીસી વિશે સૌને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા નાગરિકો, વન કર્મીઓને પ્રશસ્તિપત્ર અને સખી મંડળને નર્સરી ઉછેર માટે ચેક વિતરણ કરાયા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વૃક્ષરથનું પ્રસ્થાન કરાવ્યું હતું.
કાર્યક્રમમાં કુંઢેલા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજુ કર્યું હતું. કાર્યક્રમના અંતે યુનિવર્સિટીના કેમ્પસમાં વૃક્ષારોપણ થકી કરાઈ હતી. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી આનંદ પાટીલ, ડભોઇ નાયબ વન સંરક્ષક અધિકારી એચ.બી.પટેલ, વન વિભાગના કર્મચારીઓ, સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતના વિદ્યાર્થીઓ, નાગરિકો, વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
