હિન્દ ન્યુઝ, દેવગઢ બારીયા
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રામ ગામ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશકોના વપરાશથી મુક્ત કરવાના હેતુથી એક વિશેષ માર્ગદર્શન તાલીમ શિબિર અને જીવામૃત નિર્માણનું પ્રત્યક્ષ (ડેમોન્સ્ટ્રેશન) કાર્યક્રમ યોજાયો હતો.
આ તાલીમ શિબિરમાં રામ ગામની મહિલા ખેડૂતો તેમજ બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન ખેડૂતોને સ્વહસ્તે પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ‘જીવામૃત’ બનાવવાની સરળ રીત, તેનો સંગ્રહ અને પાકમાં તેનો યોગ્ય ઉપયોગ કરવાની તકનીકો અંગે પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
તાલીમ આપતા ખેડૂતોએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરોના અતિશય વપરાશથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. આવનારી પેઢીને સ્વસ્થ, ઝેરમુક્ત અને ગુણવત્તાયુક્ત ખેતીલાયક જમીન આપવા માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ઉત્તમ વિકલ્પ છે. જીવામૃતના ઉપયોગથી જમીનમાં ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ થાય છે અને ઓછા ખર્ચે વધુ તેમજ ઝેરમુક્ત ઉત્પાદન મેળવી શકાય છે.
આ તાલીમ બાદ રામ ગામના ખેડૂતોએ રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અને પર્યાવરણનું જતન કરવાનો દ્રઢ નિશ્ચય વ્યક્ત કર્યો હતો.
