હિન્દ ન્યુઝ, ડાંગ
કુદરતે જ્યાં મનમુકીને સૌંદર્ય વેર્યું છે તે ખુબસુરત ડાંગ જિલ્લાની સમગ્ર પ્રકૃતિએ વરસાદી વાતાવરણમાં નવોઢાની જેમ સોળ શણગાર ધારણ કર્યા છે.
વાંસદાથી ડાંગમાં પ્રવેશ કરો ત્યાં જ્યાં નજર કરો ત્યાં હર્યાભર્યા ખેતરો, જંગલ અને લીલીછમ ચાદર ઓઢીને ઉભેલી વનરાજી પ્રકૃતિપ્રેમીઓના મનને મોહી લે છે. નાના મોટા જળધોધ, બે કાંઠે વહેતી નદી, સર્પાકાર માર્ગો, ઊંચા ઊંચા ડુંગરો અને ઊંડી ઊંડી ખીણ પ્રકૃતિના ખરા સૌંદર્યને પ્રગટ કરે છે. વાંસદા નેશનલ પાર્કનો વિસ્તાર પાર કરો એટલે ડાંગના પ્રવેશ દ્વાર એવા કિલાદ ખાતે લોકમાતા અંબિકા અને તેના નીર થકી સતત અભિષેક પામતા નદીના તટે બિરાજમાન ‘તરરકટીયા હનુમાનજી’ ના દર્શન થાય છે. ત્યાંથી આગળ વધી વઘઈ નગરમાં પ્રવેશ કરો એટલે આદિવાસી સમાજના આરાધ્ય અને વંદનિય ભગવાન બિરસા મુંડાજીની મનમોહક પ્રતિમા તમારી સફરનો જાણે કે થાક ઉતારી દે છે.
અહીંથી જમણી તરફ જતો એક માર્ગ તમને દોડીપાડા થઈ ડાંગ જિલ્લાના મધ્યે આવેલા ‘કળબડુંગર’ તરફ લઈ જશે. ખાસ કરીને ટ્રેકિંગ, બાઇકર્સ, એડવેન્ચર લવર્સ, કેમ્પિંગ કરનારાઓ, અને ફોટોગ્રાફીના શોખીનો માટે ખાસ્સા લોકપ્રિય એવા આ સ્થળની મુલાકાત જો તમે ચોમાસાની ભીની ભીની મોસમમાં લો છો, તો તે તમારા જીવનભરનું યાદગાર સંભારણું બની રહેશે.
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના આમસરવલણ (આમસરવળણ) ગામની સીમમાં સ્થિત ‘કળબડુંગર’ સહ્યાદ્રિ પર્વતમાળાનો એક સુંદર અને પ્રમાણમાં ઓછો જાણીતો ડુંગર છે. આ સ્થળ મુખ્યત્વે પ્રકૃતિપ્રેમીઓ, ટ્રેકર્સ અને ફોટોગ્રાફરો માટે તો આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. સાથે અહીંના ઘનઘોર જંગલો અને સમૃદ્ધ જૈવવિવિધતા ધરાવતો આ વિસ્તાર ખાસ કરીને ચોમાસામાં ડુંગરની ટોચ પરથી આસપાસની ખીણો, હરિયાળી અને વાદળોથી ઢંકાયેલી સહ્યાદ્રિનું મનોહર દૃશ્ય ખડુ કરે છે. આ વિસ્તાર ડાંગના ભેજયુક્ત પાનખર જંગલો અને પશ્ચિમ ઘાટની જૈવવિવિધતાનો પણ ભાગ છે.
સ્થાનિક લોકો વર્ષોથી અહીં પરંપરાગત પગદંડી દ્વારા ટ્રેકિંગ કરતા આવ્યા છે. જ્યારે અહીં ઉમટતા પ્રકૃતિપ્રેમીઓની ભીડ જોતા સ્થાનિક વહિવટી તંત્રે અહીં પણ પાયાકીય સુવિધાઓનો વ્યાપ વધાર્યો છે. વરસાદી ઋતુમાં નાના નાના જળધોધ અને ઝરણાં સક્રિય થતા હોવાથી આ વિસ્તારનું સૌંદર્ય અનેકગણું વધી જાય છે. પક્ષી નિરીક્ષણ અને વન્યજીવનના અભ્યાસ માટે પણ આ વિસ્તાર ખૂબ અનુકૂળ માનવામાં આવે છે.
‘કળબડુંગર’ વિશે સત્તાવાર પ્રકાશિત માહિતી ખૂબ મર્યાદિત છે, પરંતુ આ વિસ્તાર ડાંગના સહ્યાદ્રિ અરણ્ય પ્રદેશનો ભાગ હોવાથી તેને કુદરતી અને પર્યાવરણીય દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ મળ્યું છે.
એક મહત્વપૂર્ણ દસ્તાવેજી નોંધ મુજબ વર્ષ 2015માં ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા ‘કળબડુંગર’ પર મોબાઇલ ટાવર સ્થાપિત કરવામાં આવ્યો હતો. ઊંચાઈને કારણે આ ટાવર આમસરવલણ, લવારિયા, મલીન, ભેંડમાળ, ચીકટિયા, સાકરપાતળ, આહેરડી અને કુમારબંધ જેવા અંતરિયાળ ગામોને મોબાઇલ કવરેજ આપે છે. ત્યાર બાદ સને 2018/19માં ‘પ્રવાસન પર્વ’ નિમિત્તે અહીં પ્રવેશ દ્વાર અને પગથિયા સહિત વ્યુ પોઈન્ટ જેવા પાયાકીય વિકાસ કામો હાથ ધરાયા હતા.
સ્થાનિક લોકપરંપરાની નજરે જોઈએ તો ડાંગના ભીલ, કુકણા, વારલી અને અન્ય આદિવાસી સમાજમાં ડુંગરો માત્ર ભૂગોળ નથી, પરંતુ સાંસ્કૃતિક ઓળખનો એક ભાગ છે. અહીંની સ્થાનિક પરંપરાઓમાં સામાન્ય રીતે ડુંગરોને દેવસ્થાન અથવા પ્રકૃતિના રક્ષક તરીકે માનવાની પરંપરા જોવા મળે છે. વરસાદ, જંગલ અને જળસ્રોતો સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ પણ અહીં પ્રચલિત છે. કેટલાક ડુંગરો પર ગ્રામદેવ અથવા વાઘદેવની પૂજા થાય છે. ‘કળબડુંગર’ અને તેની ગુફામાં સ્થાનિક આસ્થાના પ્રતીક સમા માતાજીનું સ્થાનક હાજરાહજૂર છે. અહીં નવરાત્રી અને દિવાળીએ વિશેષ પૂજાવિધી સાથે મેળો ભરાય છે. ભાવિક ભક્તોનું અહીં ઘોડાપુર ઉમટે છે.
પર્યટન અને પર્યાવરણીય મહત્ત્વ અને વિશેષતાઓ જોઈએ તો ચોમાસામાં અહીં અદ્ભુત હરિયાળી, સર્પાકાર માર્ગો, સહ્યાદ્રિના ઉત્તમ વ્યૂ-પોઇન્ટ, પક્ષી નિરીક્ષણ અને ફોટોગ્રાફી માટે અનુકૂળ વિસ્તાર તરીકે તે લોકોનું આકર્ષણનું કેન્દ્ર છે.
કલમબડુંગર સુધી પહોંચવા માટેનો સૌથી વ્યવહારુ માર્ગ જોઈએ તો આમસરવલણ ગામ આહવાથી લગભગ 11 કિમી પશ્ચિમ તરફ આવેલું છે. જ્યાં તમે આહવા થી ઘોઘલી અને આમસરવલણ ગામ પહોંચી શકો છો. જ્યારે વઘઈથી પણ આહવા માર્ગ થી ધૂળચોંડ થઈ આમસરવલણ ગામ પહોંચી શકાય છે. આમસરવલણ થી ‘કળબડુંગર’ ગામમાંથી સ્થાનિક કાચાપાકા માર્ગો અથવા પગદંડી દ્વારા ડુંગર તરફ જવું પડે છે. ડુંગરની ટોચે જવાનો છેલ્લો ભાગ સામાન્ય રીતે ટ્રેકિંગ કરીને પાર કરવો પડે છે. સ્થાનિક ભોમિયા વિના અહીં ભમવું ઉચિત નથી.
અહીંની મુલાકાતનો શ્રેષ્ઠ સમય જોઈએ તો ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો સમય ટ્રેકિંગ માટે સૌથી અનુકૂળ ગણાય છે. જ્યારે ચોમાસાની (જૂન થી સપ્ટેમ્બર) અહીંની હરિયાળી અદ્ભુત હોય છે, પરંતુ રસ્તા લપસણા અને કાદવવાળા હોઈ શકે છે. એટલે અહીંની ‘હરિયાલી ઓર રાસ્તા’ ની સફર કરવી હોય તો ‘ભોમિયા સાથે ભમવા છે ડુંગરા’ એવું મન બનાવીને સહ્યાદ્રિ પર્વતમાળાની પ્રકૃતિનો અનમોલ નજરો માણી શકો છો. પરંતુ ધ્યાન રહે, સમગ્ર ડાંગ જિલ્લો ‘નો પ્લાસ્ટિક ઝોન’ છે.
