હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લામાં ભૂતકાળમાં સોના, ચાંદીની દુકાનમાં લુંટ તેમજ મોબાઈલ શો રૂમમાંથી મોબાઇલ ચોરીના ગુના રાત્રિ દરમિયાન બન્યા હતા. તાજેતરમાં રહેણાંક મકાનોમાંથી રાત્રીના સમયે ચોરીના બનાવો પણ બન્યા છે. જેથી સમગ્ર ડાંગ જિલ્લામાં બેંકો, સહકારી બેંકો/સંસ્થાઓ, એ.ટી.એમ. સેન્ટરો, સોના-ચાંદીના શો-રૂમો, જવેલર્સ, ઈમારતી લાકડાનાં મોટા વેપારીઓ, કાપડની દુકાનો, ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતી, સાયબર કાફે, ઇલેક્ટ્રીક બીલનાં કલેકશન સેન્ટર, કુરીયર સર્વિસ વિ.સ્થળો કે જયાં રોજે રોજ મોટી રકમની નાણાંકીય લેવડ-દેવડ અથવા કિંમતી ચીજ-વસ્તુઓની લે-વેચ થાય છે, તેવા તમામ સ્થળોએ તેમનાં માલિકોને વ્યુહાત્મક સ્થળોએ નાઇટ વિઝન સી.સી.ટી.વી.કેમેરા લગાવવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે ડાંગ-આહવાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એચ. એમ. જણકાટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ મુજબ મળેલી સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડયું છે.
આ જાહેરનામા જણાવાયુ છે કે, સમગ્ર ડાંગ જિલ્લાના વિસ્તારમાં આવેલી નીચે મુજબની તમામ જગ્યાએ સી.સી.ટી.વી. (નાઇટ વિઝન સાથેના) કેમેરા ગોઠવવાના રહેશે. (૧) તમામ બેંકો, સહકારી બેંકો/સંસ્થાઓ, એ.ટી.એમ. સેન્ટરો, સોના-ચાંદીનાં શો-રૂમો, મોટી દુકાનો, જવેલર્સની દુકાનો, (૨) ઇમારતી લાકડાનાં મોટા વેપારીઓ, કાપડની મોટી દુકાનો, ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતી, સાયબર કાફે, ઇલેકટ્રીક બીલનાં કલેકશન સેન્ટરો.વિ.સ્થળો કે જયાં રોજે રોજ મોટી રકમની નાણાંકીય લેવડ-દેવડ અથવા કિંમતી ચીજ-વસ્તુઓની લે-વેચ થાય છે, તેવા તમામ સ્થળો એ સી.સી.ટી.વી. લગાવવાના રહેશે. સી.સી.ટી.વી કેમેરા હાઇ ડેફીનેશન/નાઇટવિઝન ધરાવતાં હોવા જોઈએ. જેમાં માણસોના ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય તથા વાહનના નંબર વાંચી શકાય તેવી રીતે ગોઠવવાના રહેશે. આ સી.સી.ટી.વીના રેકોર્ડિંગ ડેટા ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી સંગ્રહ કરવાના રહેશે. કેમેરા સતત ૨૪ કલાક ચાલુ રહે તે જોવાની જવાબદારી માલિકો/વહીવટકર્તાઓની રહેશે. આ હુકમ તા. ૨૧/૦૮/૨૦૨૬ થી તા. ૧૯/૧૦/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
