હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડ જિલ્લામાં પ્રવર્તમાન ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે નોંધપાત્ર નુકસાન થયું છે. આ કુદરતી આપત્તિને પહોંચી વળવા અને અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ, રાહત અને સહાય વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેશ ડોલ્સ અને ઘરવખરી સહાય પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વલસાડ પુર નિયત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર તા. 28-07-26 સુધી કેશ ડોલ્સ અંતર્ગત જિલ્લામાં 19613 પરિવારોનો સર્વે કરી તેમાંથી 15505 પરિવારોને રૂપિયા 2.88 કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે. તેવી જ રીતે, ઘરવખરી ગુમાવનાર 24025 પરિવારોનો સર્વે કરવામાં આવ્યો છે, જેમાંથી 16327 પરિવારોને રૂ. 8.18 કરોડ ચૂકવાયા છે.
માનવ મૃત્યુના નોંધાયેલા 19 કિસ્સાઓમાંથી 7 કિસ્સાઓમાં મૃતકોના પરિવાર જનોને રૂ. 32 લાખની સહાય ચૂકવાઈ ગઈ છે. પશુસહાય અંતર્ગત 267 પશુઓ માટે રૂ. 27.9 લાખ ચૂકવાયા છે અને 185 પશુઓ માટે સહાય બાકી છે. ઝૂંપડાં તથા કાચા અને પાકા 520 મકાનોને પણ નુકશાન થયું હતું જે પૈકી 286 મકાન માલિકોને રૂ. 1.34 કરોડની સહાય આપી દેવામાં આવી છે.
સમગ્ર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો મળીને વહીવટી તંત્ર દ્વારા કુલ 45089 સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જે પૈકી અત્યાર સુધીમાં 32392 લાભાર્થીઓને કુલ રૂ.13.01 કરોડની રકમ ચૂકવવામાં આવી છે, વહીવટી તંત્ર દ્વારા બાકી રહેલા તમામ અસરગ્રસ્તોને સત્વરે સહાય પહોંચાડવાની દિશામાં કામગીરી પ્રગતિમાં છે.
