ગ્રામીણ મહિલાઓને સ્વતંત્ર, સશક્ત અને સક્ષમ બનાવતી ‘લખપતિ દીદી યોજના’: સુરત જિલ્લાની ૫૨ હજારથી વધુ બહેનો બની ‘લખપતિ દીદી’

હિન્દ ન્યુઝ, સુરત

      વડાપ્રધાનના સફળ નેતૃત્વ હેઠળ છેલ્લા ૧૨ વર્ષમાં વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના કાર્યોની શ્રુંખલા અવિરત ગતિએ આગળ વધી રહી છે. સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં છેલ્લા ૧૨ વર્ષોમાં વિકાસના અનેક નવા આયામો સિદ્ધ કરાયા છે. જિલ્લાના છેક છેવાડામાં વસતાં ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારો સુધી અનેકવિધ સરકારી યોજનાઓના લાભો પહોંચ્યા છે.આવી જ એક યોજના એટલે ‘લખપતિ દીદી યોજના’ અને ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (મિશન મંગલમ)’, કે જે રાજ્યના ગ્રામીણ ગરીબ કુટુંબોની મહિલાઓનું ‘આર્થિક સ્વાવલંબન કવચ’ સાબિત થઇ છે. 

             સુરત જિલ્લાની વાત કરીએ તો, વર્ષ ૨૦૧૦માં વડાપ્રધાનશ્રી દ્વારા અમલમાં મૂકાયેલી મિશન મંગલમ યોજના અને ત્યારબાદ ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ જાહેર કરાયેલી લખપતિ દીદી યોજના હેઠળ સુરત જિલ્લામાં પ્રશંસનીય કામગીરી થઈ છે. વિવિધ યોજનાકીય મેળાઓ, તાલીમ શિબિરો અને આજીવિકા પ્રવૃત્તિઓ દ્વારા સુરત ગ્રામ્ય કક્ષાએ કુલ ૫૨,૫૨૬ મહિલાઓ “લખપતિ દીદી” બનીને દર વર્ષે ઓછામાં ઓછી રૂ.૧ લાખની આવક પ્રાપ્ત કરી આર્થિક રીતે આત્મનિર્ભર અને સશક્ત બની છે. ચાલુ વર્ષે ૨૦૨૫-૨૬માં પણ બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (RSETI) દ્વારા ૯૩૯ સખી મંડળની બહેનોને આજીવિકા લક્ષી તાલીમ આપીને રોજગારીની નવી તકો પૂરી પાડવામાં આવી છે.

લખપતિ દીદી યોજના અને મિશન મંગલમના લાભ:

       મહિલાઓના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે જાણીતી આ યોજના અંતર્ગત ગ્રામીણ ગરીબ કુટુંબની ૧૦ બહેનો એકત્રિત થઈને ‘સખી મંડળ’ (સ્વસહાય જૂથ) બનાવે છે. પ્રારંભિક તબક્કે તેઓની ક્ષમતામાં વધારો કરી જૂથોને સક્ષમ કરવા માટે સરકાર તરફથી રૂ.૩૦,૦૦૦નું રીવોલ્વીંગ ફંડ આપવામાં આવે છે. ત્યારબાદ ગ્રામ્ય કક્ષાએ આવા ૧૦ સખી મંડળો મળીને ‘ગામ સંગઠન’ બનાવે છે, જેમાં ૧૦૦ બહેનો જોડાય છે. આ ગામ સંગઠનોને આજીવિકા કે કોઈ ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે સરકાર તરફથી કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે રૂ.૧૫ લાખ સુધીની માતબર સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, બહેનોને આજીવિકા માટે શરૂઆતમાં બેંક તરફથી રૂ.૧.૫ લાખની લોન ૭% વ્યાજ દરે મળે છે, અને નિયમિત હપ્તા ભરતા બીજા વર્ષે રૂ.૩ લાખ તથા આગળ જતાં રૂ.૨૦ લાખ સુધીની લોનમાં સ્ટેમ્પ ડ્યુટી માફી આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.

પાત્રતા, દસ્તાવેજો અને મંડળ રચવાની રીત:

         આ યોજનાનો લાભ મેળવવા માટે ગ્રામીણ વિસ્તારની સમાન આર્થિક જરૂરિયાત ધરાવતી બહેનો સંગઠિત થઈને સ્વસહાય જૂથ બનાવી શકે છે. આ માટે સભ્યોના આધાર કાર્ડ, રેશનકાર્ડ, બેંક પાસબુક અને આવકનો દાખલો જેવા જરૂરી દસ્તાવેજો અનિવાર્ય છે. નજીકના સરકારી દવાખાના (CHC/PHC) કે જન સેવા કેન્દ્ર અથવા તાલુકા પંચાયતની મિશન મંગલમ શાખાનો સંપર્ક કરીને સખી મંડળની નોંધણી કરાવી શકાય છે. બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન જેવી સંસ્થાઓ દ્વારા બહેનોને પ્રોત્સાહિત કરી આજીવિકા લક્ષી અને કૌશલ્યવર્ધક તાલીમ પણ નિ:શુલ્ક પૂરી પાડવામાં આવે છે.

સુરત જિલ્લામાં ૧૧,૧૫૩ સ્વસહાય જૂથોની ગૌરવશાળી સિદ્ધિ:

          સુરત જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત આજ દિન સુધી કુલ ૧૧,૧૫૩ સ્વસહાય જૂથોની રચના કરવામાં આવી છે, જેમાં ૧,૦૪,૯૧૪ મહિલાઓ જોડાયેલી છે. બેંકો દ્વારા આમાંથી ૩,૯૮૬ જેટલા જૂથોને રૂ. ૫૨ કરોડ જેટલું ધિરાણ પૂરું પાડવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં કુલ ૬,૨૪૧ જૂથોને રિવોલ્વીંગ ફંડ પેટે રૂ. ૭૮૯.૨૦ લાખની રકમ ફાળવાઈ છે, જ્યારે ૨૩૮ ગામ સંગઠનને રૂ. ૩૨૯૯.૧૮ લાખ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે સહાય આપવામાં આવી છે. જિલ્લામાં કુલ ૫૦૫ ગામ સંગઠનો સક્રિય છે, જેમાંથી ૩,૭૭૫ જૂથો સફળતાપૂર્વક વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ કરીને આજીવિકા મેળવી રહ્યા છે.

સખી મંડળોની પ્રેરણાદાયી આર્થિક પ્રવૃત્તિઓ અને વ્યવસાયો:

           સુરત જિલ્લાની બહેનો વિવિધ અનોખા વ્યવસાયો કરીને આત્મનિર્ભર બની છે. મહુવા તાલુકાના મોરલી સખી મંડળની ૨૭ બહેનો DGVCL કંપની સાથે કરાર કરી વીજ મીટર રીડિંગની સેવા પૂરી પાડી દર મહિને રૂ.૧૨,૦૦૦ થી રૂ.૧૫,૦૦૦ કમાઈ રહી છે. મહુવાના બોરિયા ગામનું શ્રી ગણેશ સખી મંડળ મશરૂમના પૌષ્ટિક પાપડ અને લોટ બનાવી ઓનલાઈન માધ્યમોથી રૂ.૧૫,૦૦૦થી વધુની માસિક આવક મેળવે છે. માંડવી અને ઉમરપાડા તાલુકાના જૂથો નાગલીના પાપડ, લોટ, વેફર અને વાંસનું અથાણું બનાવી વેચે છે અને તેમણે શરૂ કરેલી “નાહરી હોટલ” દ્વારા દર મહિને રૂ.૭૫,૦૦૦થી વધુની કમાણી થાય છે. માંડવીના ઘંટોલી ગામનું નવદુર્ગા મહિલા મંડળ ગાયના છાણ અને અળસિયાથી ઉચ્ચ ગુણવત્તાવાળું વર્મી કમ્પોસ્ટ બનાવી પ્રાકૃતિક ખેતીને વેગ આપી રહ્યું છે. આ ઉપરાંત, જિલ્લામાં સરકારી પરિસરોમાં ૩૧ કેન્ટીન કાર્યરત છે, ચોર્યાસી અને કામરેજ તાલુકામાં ટિફિન સર્વિસ ચાલે છે, તેમજ બારડોલીના બાબેન ગામનું અત્યુત્તમ સખી મંડળ તથા અન્ય મંડળો ફિનાઇલ, સાબુ, લિપબામ, લોશન અને સેનિટરી પેડ્સ જેવી હેલ્થ એન્ડ હાઈજીન પ્રોડક્ટ્સ બનાવે છે. ચોર્યાસી અને બારડોલીની બહેનો જ્યુટ પ્રોડક્ટ્સમાં શોપિંગ બેગ, લેપટોપ બેગ અને કામરેજ, ઓલપાડ, માંગરોળની બહેનો પૂજા સામગ્રીમાં અગરબત્તી, ધૂપ તથા આકર્ષક આર્ટિફિશિયલ, ઓક્સિડાઈઝ્ડ અને ફેબ્રિક જ્વેલરીનું નિર્માણ કરી ગ્રામ્ય ઉદ્યોગસાહસિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.

Related posts

Leave a Comment