૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના – વિકસિત ભારત સંકલ્પ

હિન્દ ન્યુઝ, ભુજ 

   એક સમય એવો હતો જ્યારે કચ્છનું નામ દુકાળ, સ્થળાંતર અને કુદરતી આફતો સાથે જોડાતું હતું. વર્ષ 2001ના વિનાશક ભૂકંપે સમગ્ર કચ્છને હચમચાવી દીધો હતો. પરંતુ કચ્છના લોકોની અદમ્ય જિજીવિષા, રાજ્ય સરકારના દુરંદેશી આયોજન અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસલક્ષી વિઝનના પરિણામે આજે કચ્છ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના વિકાસનું એક પ્રેરણાદાયી મોડેલ બનીને ઉભર્યું છે.

ભૂકંપથી વિકાસની ગતિ તરફ  

૨૦૦૧ના ભૂકંપ પહેલાં કચ્છમાં ગણતરીના ઉદ્યોગો હતા. રોજગારી માટે યુવાનોને વતન છોડવું પડતું હતું. તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના પુનર્નિર્માણને પ્રાથમિકતા આપી. રાજ્ય સરકારની આયોજનબદ્ધ નીતિઓથી કચ્છ આજે ગુજરાતના વિકાસનું મોડેલ બની ગયું છે.

આ જ વિઝનની ફલશ્રુતિ છે ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’. આ સમિટ રાજ્યના આર્થિક વિકાસનું મજબૂત માધ્યમ બનવાની સાથે કચ્છને નવી પાંખો આપનારું મંચ બન્યું. ભૂકંપની માર ખમી ચૂકેલા કચ્છે ફિનિકસ પક્ષીની જેમ ઉડાન ભરી અને છેલ્લા બે દાયકામાં જેટ ગતિએ ઔદ્યોગિક વિકાસ સાધ્યો.

રોકાણ અને રોજગારીમાં બહુગણી વૃદ્ધિ  

ભૂકંપ પહેલાં કચ્છમાં માત્ર 2,500 કરોડ રૂપિયાનું રોકાણ હતું. આજે તે વધીને 1,40,000 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે અને દર વર્ષે નવા રોકાણો આવી રહ્યા છે. આ વિકાસને પરિણામે કચ્છ હવે 3.5 લાખથી વધુ કામદારોને સીધી રોજગારી આપી રહ્યું છે. કચ્છના વિકાસમાં બંદરો, માર્ગ વ્યવસ્થા, રેલવે, ઊર્જા અને ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. મુન્દ્રા અને કંડલા જેવા બંદરોના વિકાસથી કચ્છ આંતરરાષ્ટ્રીય વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે દેશનું મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે. સાથે જ સિમેન્ટ, સ્ટીલ, મિનરલ્સ, સિરામિક્સ, ઊર્જા અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે થયેલા રોકાણોએ જિલ્લાની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી છે. આજે દેશ-વિદેશના પ્રવાસીઓ અને રોજગારવાંચ્છુ યુવાનો કચ્છ તરફ આકર્ષાઈ રહ્યા છે.

પ્રવાસન ક્ષેત્રે પણ કચ્છે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. રણોત્સવ, સફેદ રણ, કચ્છી સંસ્કૃતિ, હસ્તકલા અને ઐતિહાસિક ધરોહર દેશ-વિદેશના લાખો પ્રવાસીઓને આકર્ષે છે. જેના કારણે સ્થાનિક લોકો માટે આવક અને રોજગારીના નવા માર્ગો ખુલ્યા છે.

ભવિષ્યનું ઊર્જા હબ  

આજે કચ્છ નવી અને હરિત ઊર્જાના ક્ષેત્રે પણ દેશનું નેતૃત્વ કરવા તૈયાર છે. વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, ગ્રીન હાઇડ્રોજન અને બ્લુ ઇકોનોમી જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં કચ્છ વૈશ્વિક હબ બનવાની અપાર સંભાવનાઓ ધરાવે છે. ભારતને ઊર્જા આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાનશ્રીએ જે સ્વપ્ન જોયું છે, તેને સાકાર કરવામાં કચ્છ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. આવનારા વર્ષોમાં કચ્છ દેશના સૌથી મોટા સ્વચ્છ ઊર્જા ઉત્પાદન કેન્દ્ર તરીકે ઓળખાશે.

વડાપ્રધાન મોદીના ‘વિકસિત ભારત @ 2047’ના વિઝનમાં કચ્છ ખભેથી ખભા મિલાવીને વિકાસના પાટા પર દોડી રહ્યું છે. આગામી વર્ષોમાં કચ્છ દેશની વીજ જરૂરિયાત પૂરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

વિનાશની વેદનામાંથી વિકાસની વૈભવી સફર સુધી પહોંચેલું કચ્છ આજે સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણાદાયી ગાથા છે. કચ્છના લોકોની મહેનત, સાહસ અને સંકલ્પશક્તિ સાથે સરકારના દુરંદેશી આયોજનના સમન્વયથી આ જિલ્લો આજે વિકાસ, સમૃદ્ધિ અને આત્મનિર્ભરતાનું જીવંત પ્રતિક બની ગયો છે. કચ્છની આ વિકાસયાત્રા આવનારી પેઢીઓ માટે પ્રેરણાનું શાશ્વત સ્ત્રોત બની રહેશે.

નવી ઓળખ  

ભૂકંપની થપાટ ખાઈને પડી ગયેલું કચ્છ આજે પોતાના ખમીર, મહેનત અને સાહસથી દુનિયાભર માટે ઉદાહરણ બની ગયું છે. એક સમયે પલાયન માટે મજબૂર બનતું કચ્છ આજે રોજગાર અને રોકાણનું કેન્દ્ર બન્યું છે. કચ્છની આ સફળતા સાબિત કરે છે કે યોગ્ય નેતૃત્વ, સ્પષ્ટ વિઝન અને સત પ્રયાસોથી કોઈ પણ પ્રદેશ વિકાસની નવી વ્યાખ્યા રચી શકે છે.

Related posts

Leave a Comment