વલસાડ માહિતી કચેરી બની સરકાર અને પ્રજા વચ્ચે મજબૂત સેતુરૂપ, ઉમરગામના અંદાજે ૧૫૦૦થી વધુ પૂર અસરગ્રસ્તો સુધી પહોંચાડી રાહત સામગ્રી
હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડ જિલ્લામાં વર્ષ ૧૯૬૮ બાદ તા. ૨૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ પડેલા અભૂતપૂર્વ વરસાદ અને વિનાશક પૂરના કારણે ઉમરગામ તાલુકાના અનેક ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી. પૂરના પાણી ઓસર્યા બાદ અનેક પરિવારો ઘરવિહોણા બન્યા હતા, જ્યારે કેટલાક પરિવારો આજે પણ કાદવ-કીચડ વચ્ચે મુશ્કેલીભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે. અસરગ્રસ્તોની કરૂણ સ્થિતિ જોઈ કોઈનું પણ હૃદય દ્રવી ઊઠે તેવી પરિસ્થિતિ વચ્ચે અનેક સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ માનવસેવા માટે આગળ આવ્યા હતા.
આ જ સંવેદનાને સાકાર કરતાં ગુજરાત સરકારની વલસાડ જિલ્લા માહિતી કચેરીએ વલસાડના સેવા મિત્ર મંડળ અને ઉમિયા સોશિયલ ટ્રસ્ટના સહયોગથી ઉમરગામ તાલુકાના અંકલાસ, નગવાસ અને ઝરોલી ગામના કુલ ૧૩ ફળિયામાં અંદાજે ૧૫૦૦થી વધુ પૂર અસરગ્રસ્તો સુધી રાહત સામગ્રી પહોંચાડી માનવતાની મહેક પ્રસરાવી છે.
વલસાડ જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકની ટીમે પૂરગ્રસ્ત વિસ્તારોના કવરેજ દરમિયાન અસરગ્રસ્ત પરિવારોની દયનીય સ્થિતિ નિહાળી તેમને તાત્કાલિક સહાય મળે તે માટે કચેરીના સ્ટાફને શક્ય તેટલી મદદ માટે આહ્વાન કર્યું હતું. કચેરીના અધિકારીઓ-કર્મચારીઓએ પણ તમામ બનતી મદદ કરી હતી. ત્યારબાદ સેવા મિત્ર મંડળના સેવકશ્રી અક્ષયભાઈ સોની તથા ઉમિયા સોશિયલ ટ્રસ્ટના કેપ્ટનશ્રી અશોકભાઈ પટેલનો સંપર્ક કરવામાં આવતા બંને સંસ્થાઓએ તાત્કાલિક સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી.
સેવા મિત્ર મંડળ દ્વારા એક ટેમ્પો ભરેલી રાહત સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેમાં નાસ્તો, કપડાં, સ્કૂલ યુનિફોર્મ, ટૂથબ્રશ, શેમ્પુ તથા શુદ્ધ પીવાના પાણીની બોટલોનો સમાવેશ થતો હતો. જ્યારે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા વસ્ત્રદાન અને અનાજની કિટ્સ આપવામાં આવી હતી. આ સિવાય માહિતી કચેરીના અધિકારી-કર્મચારીઓએ પણ વસ્ત્રો દાન માટે આપ્યા હતા.
જિલ્લા માહિતી કચેરીની ટીમે અંકલાસના આગેવાન રવુભાઈ વળવી, ઝરોલીના સરપંચ રેખાબેન પટેલ તથા નગવાસના ઉપસરપંચ દિલીપભાઈ સહિતના સ્થાનિક આગેવાનોના સહયોગથી રાહત સામગ્રીનું વિતરણ કરી અંકલાસ, નગવાસ અને ઝરોલી ગામના કુલ ૧૩ ફળિયામાં રહેતા અંદાજે ૧૫૦૦થી વધુ પૂર અસરગ્રસ્ત પરિવારો સુધી જરૂરી સહાય પહોંચાડી માનવતાની મહેક પ્રસરાવી હતી.
જિલ્લા માહિતી કચેરીએ આ કામગીરી દ્વારા માત્ર સરકારની યોજનાઓ અને કામગીરીને લોકો સુધી પહોંચાડવાની પોતાની જવાબદારી જ નહીં, પરંતુ સરકાર અને પ્રજા વચ્ચે સંવેદનશીલ તથા વિશ્વસનીય સેતુ તરીકેની ભૂમિકા પણ સફળતાપૂર્વક નિભાવી હોવાનું ચરિતાર્થ કર્યું છે.
સેવા મિત્ર મંડળ દ્વારા અપાયેલા ૮૫૦ સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરાતા બાળકોના ચહેરા ખીલી ઉઠ્યા
સેવા મિત્ર મંડળ દ્વારા આપવામાં આવેલા અંદાજે ૮૫૦ જેટલા સ્કૂલ યુનિફોર્મનું આંગણવાડી તથા પ્રાથમિક શાળાના બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું. નવા યુનિફોર્મ મળતાં બાળકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ઉપરાંત રાહત સામગ્રી અને જીવનજરૂરી ચીજવસ્તુઓ મળતાં અનેક જરૂરિયાતમંદ પરિવારોને મોટી રાહત મળી હતી. સહાય બદલ પૂર અસરગ્રસ્તોએ ગુજરાત સરકાર, જિલ્લા માહિતી કચેરી તેમજ સેવા મિત્ર મંડળ અને ઉમિયા સોશિયલ ટ્રસ્ટ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો
