વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વલસાડ- ડાંગમાં ૧૩ દુકાન-હોટલમાંથી હલકી કક્ષાની ખાદ્ય સામગ્રી મળી આવી

હિન્દ ન્યુઝ, વલસાડ

   વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વલસાડ-ડાંગમાં આવેલી હોટલો તથા રેસ્ટોરેન્ટ, ખાણી પીણી દુકાનો, તથા ડેરીઓની તપાસણી કરી ખાદ્ય સામગ્રીના નમુના લેવામાં આવ્યા હતા. જેમાંથી ૧૩ નમુના નાપાસ થતા હવે તમામને નોટિસ ફટકારી તેઓ સામે એડ્જ્યુડીકેટીંગ કેસ (નિવાસી અધિક કલેકટરશ્રીની કોર્ટમાં કેસ) દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વલસાડ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી આશિષ આર. વળવીના જણાવ્યા અનુસાર, વલસાડ અને ડાંગ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ કામગીરી દરમિયાન (૧) વલસાડના ગુંદલાવ જીઆઈડીસી ખાતે આવેલી હોટલ ફલાહમાં લુઝ પનીર, (૨) પારડીના કોલક ગામમાં ઝંડા ચોક ખાતે આવેલી મહાદેવ આઈસ્ક્રીમ દુકાનમાં લુઝ પનીર, (૩) પારડીના કલસરમાં મહાવીર સ્વીટ એન્ડ ડેરીમાં લુઝ પનીર, (૪) પારડીની ન્યુ શ્રીનાથ ડેરીમાંથી લુઝ પનીર, (૫) પારડીના રેંટલાવ ખાતે શિવ આરતી ડેરીમાં ભેંસનુ લુઝ દૂધ, (૬) પારડીના ઉદવાદા રેલવે સ્ટેશન ખાતે સાંઈ ફાસ્ટ ફૂડમાંથી પાનીપુરી સ્પાઈસી વોટર (પ્રિપરેડ ફૂડ લુઝ), (૭) ઉમરગામના ફણસામાં બજાર ફળિયા ખાતે આવેલી ક્રિષ્ના દુધ ડેરીમાં ભેંસનું લુઝ દૂધ, (૮) વાપીમાં ગુંજન ખાતે ગૌતમ કિરાણા સ્ટોરમાં આવેલી શ્રીજી ડેરીમાંથી ગાયનું લુઝ દૂધ, (૯) વાપી દમણ રોડ પર આવેલી ગજાનંદ રેસ્ટોરન્ટમાંથી લુઝ પનીર અને (૧૦) વાપી ખાતે ન્યુ સાવરીયા ડેરીમાં ગાયનું લુઝ દૂધ અને (૧૧) વાપીના ચલા ખાતે આવેલી રાજકમલ ડેરીમાંથી ગાયનું લૂઝ દૂધ સબસ્ટાન્ડર્ડ એટલે કે, નક્કી કરેલા ધારા ધોરણો કરતા નીચું હલકી ગુણવત્તા વાળુ હોવાનું લેબોરેટરી પરિક્ષણમાં પૂરવાર થયુ છે. જેથી વલસાડ જિલ્લાની આ તમામ ૧૧ અને ડાંગ જિલ્લાની બે સંસ્થા મળી કુલ ૧૩ને નોટિસ ફટકારી તેઓ વિરૂધ્ધ નિવાસી અધિક કલેકટરશ્રીની કોર્ટમાં કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

ડાંગ જિલ્લામાં જે બે સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં (૧૨) ડાંગના આહવા તાલુકામાં સાપુતારા ખાતે ન્યુ શોપીંગ સેન્ટરમાં એ-૧ દુકાનમાં આવેલી એ વન ફાસ્ટ ફુડ અને રેસ્ટોરન્ટમાંથી રાજહંસ કંપનીનું પનીરનું એક કિ.ગ્રા. પાઉચ લો ફેટ વાળુ મળી આવ્યું હતું. આ સિવાય (૧૩) ડાંગના સાપુતારા ખાતે આવેલી ખોડિયાર કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાંથી મિલ્કી મોર લો ફેટ પનીર (કંપની પેકીંગ પાઉચ) મળી આવ્યુ હતું. 

 

Related posts

Leave a Comment