અરવલ્લીમાં મેલેરીયા હાઇરિસ્ક ધરાવતા ૧૨ ગામોમાં દવાનો છંટકાવ કરાયો

અરવલ્લી,

અરવલ્લીમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ભારે વરસાદના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવવાની શક્યતાને લઇ આરોગ્ય વિભાગ દ્વારા મેલેરીયાની અસર વધુ જોવા મળતા હાઇરીસ્ક ધરાવતા ૧૨ ગામોમાં દવાનો છંટકાવની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ચોમાસા પૂર્વે અને ચોમાસાના સમયગાળા દરમિયાન મેલેરીયાના અટકાયતી પગલા અને તકેદારી રાખવા જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવે છે. રાજય સરકાર પણ વર્ષ ૨૦૨૨ સુધી મેલેરીયામુક્ત કરવાના ઉદેશ્ય સાથે કામગીરી સધન બનાવી છે. અરવલ્લી જિલ્લામાં અગાઉના વર્ષોમાં જયાં મેલેરીયાના કેસ મળી આવતા હતા તેવા વિસ્તારોની ઓળખ કરી દવા છંટકાવ કરવાની કામગીરી પૂર્ણ કરી છે.
વર્તમાન ચોમાસાની ઋતુને અનુલક્ષીને જિલ્લામાં વાહકજન્ય રોગચાળો ન ફેલાય એના આગોતરા આયોજન મુજબ જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા અને ધનસુરા તાલુકાના ૧૦ આરોગ્ય કેન્દ્રમાં આવતા ૧૨ ગામોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જેમાં ૨૨૫૨ ઘરોના ૧૧,૦૭૩ લોકોને આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સમયગાળામાં ફિવર સર્વે કામગીરી શરૂ કરી, ભંગાર એકત્ર થતા સ્થળ, ટાયર પંચરની દુકાન સહિત મચ્છર ઉત્પતિના સ્થાન છે, તેવા વિસ્તારોની ઓળખ કરી ટેમીફોસ અને બીટીઆઇ દ્વારા આ ઉત્પતિ સ્થળોનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાને અનુલક્ષી સોશ્યિલ ડિસ્ટન્ટ સાથે સઘન સર્વેલન્સ અને લોકજાગૃતિ અંગે લારવા નિદર્શન તેમજ જયાં પાણીના કાયમી સ્ત્રોત છે તેવી જગ્યાએ પોરાભક્ષક ગપ્પી ફિશ મુકવાની કામગીરી પૂર્ણ કરાઇ છે.

રિપોર્ટર : મુકેશ પ્રજાપતિ, અરવલ્લી

Related posts

Leave a Comment