હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લામાં માર્ગ સલામતીને જાળવવા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (ARTO) દ્વારા ગઢડા માર્કેટિંગ યાર્ડ ખાતે વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત કુલ અંદાજે ૮૦ જેટલા વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા. જેમાં ટ્રેક્ટર-ટ્રોલી સહિતના અન્ય માલવાહક વાહનોને આવરી લેવામાં આવ્યા હતા.
રાત્રિના સમયે તેમની દૃશ્યતા વધે અને અકસ્માતોની સંભાવનામાં ઘટાડો થાય તેવા હેતુથી રેડિયમ રિફ્લેક્ટર દ્વારા અંધકારમાં વાહનો દૂરથી જ સ્પષ્ટ દેખાય છે, જેના કારણે માર્ગ પર સલામતીમાં નોંધપાત્ર વધારો થાય છે.
સાથોસાથ વાહનચાલકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા, વાહનોમાં ઓવરલોડિંગ ટાળવા તેમજ ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. રાત્રિના સમયમાં વાહન હંકારતી વખતે વિશેષ સાવચેતી રાખવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, બોટાદ દ્વારા આવા જાગૃતિમૂલક કાર્યક્રમો દ્વારા “સુરક્ષિત માર્ગ – સુરક્ષિત જીવન”ના સંદેશને વધુ વ્યાપક બનાવવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
