હિન્દ ન્યુઝ, સુરત
પ્રાકૃતિક ખેતી નામ પરથી જ ખબર પડે છે કે આ ખેતી પ્રકૃતિ એટલે કે કુદરતની સાથે જોડાયેલી ખેતી છે. જ્યાં કુદરતી રીતે જ પાકને ઉગાડવામાં આવે છે. આપણે સૌને ક્યારેક તો વિચાર આવ્યો જ હોય કે જંગલમાં જે રીતે ઝાડ ઉગે છે ત્યાં તો કોઈ ખાતર-પાણી નાખવામાં નથી આવતું. તો ત્યાં કઈ રીતે યોગ્ય રીતે પાકનો વિકાસ થાય છે. તેનો જવાબ છે કુદરતી રીતે. બસ આ જ રીતને અપનાવવી હવે જરૂરી બની ગઈ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં અનેક જિલ્લાના ખેડૂતો ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. પરિણામે પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપવા માટે મુહિમ ચલાવવામાં આવી રહી છે. જે રીતે હાલના સમયે રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધ્યો છે તેના કારણે ધરતી, પ્રકૃતિ સાથે માનવીના સ્વાસ્થ્યને પણ પારાવાર નુકસાન પહોંચી રહ્યું છે. તેથી જ આ નુકસાનને ઘટાડવા માટેના એકમાત્ર વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળ્યા છે. પરંતુ પ્રાકૃતિક કૃષિની સાથે સાથે એક બીજો શબ્દ છે ઓર્ગેનિક ખેતી. આપણે પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતીમાં મુઝવણ અનુભવતા હોઈએ છીએ. તો આવો આજે જાણીએ આ બંને પદ્ધતિમાં ફરક શું છે.

