હિન્દ ન્યુઝ, જૂનાગઢ
સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. ૩૧ મેના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા માળિયા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડાભીના નેતૃત્વમાં માળિયા તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), આયુષ્માન આરોગ્ય મંદિરો તેમજ સબ સેન્ટરો ખાતે “તમાકુ નિષેધ સંકલ્પ કાર્યક્રમ “નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાની તમામ આરોગ્ય સુવિધાઓ ખાતે તબીબો, આરોગ્ય કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિમાં તમાકુમુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ લેવાયો હતો. ઉપસ્થિત સૌએ પોતાના જીવનને તમાકુ તથા તમાકુની તમામ બનાવટોથી મુક્ત રાખવા તેમજ પરિવાર અને સમાજને પણ આ દૂષણથી બચાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
માળિયા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડાભીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં લોકોને તમાકુના સેવનથી થતી ગંભીર આરોગ્ય સમસ્યાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ આરોગ્યપ્રદ અને વ્યસનમુક્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.
આ વર્ષની વૈશ્વિક થીમ “Unmasking the Appeal: Countering Nicotine and Tobacco Addiction” અન્વયે તમામ આરોગ્ય કેન્દ્રોના પ્રવેશદ્વાર પર થીમ આધારિત બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેના માધ્યમથી લોકોને નિકોટીન અને તમાકુના વ્યસનના નુકસાન અંગે જાગૃત કરી સ્વસ્થ અને રોગમુક્ત જીવન જીવવા અપીલ કરવામાં આવી હતી.
