પ્રાકૃતિક પદ્ધતિથી દશપર્ણી અર્ક બનાવવાની સરળ રીત

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ખેડૂતો રાસાયણિક ખેતીને તિલાંજલી આપીને પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યાં છે. કોઇપણ ખેતી પાક અથવા ફળઝાડ ઉપર છંટકાવ કરવા માટે ઘરે જ ઓછા ખર્ચવાળી દવા બનાવવી સરળ છે ત્યારે દશપર્ણી અર્ક બનાવવાની પદ્ધતિ અંગે વિગતવાર જાણીએ. 

દશપર્ણી અર્ક બનાવવા માટે સૌ પ્રથમ એક મોટી ૨૫૦ લિટર ક્ષમતાની ટાંકી અથવા લોખંડના બેરલમાં ૨૦૦ લીટર પાણી લો. તેમાં દેશી ગાયનું ૨૦ લિટર ગૌમૂત્ર નાખો. ભેંસનું અને જર્સી એચ. એફ. અથવા સંકર ગાયનું ગૌમત્ર ચાલશે નહીં. એક લોઢાનાં અથવા જર્મનના તપેલામાં ૫ લિટર પાણી લઈને તેમાં ૨ કિલો દેશી ગાયનું તાજું ગોબર ઉમેરો. તેને હલાવો, આ દ્રાવણ હવે ૨૦૦ લિટર પાણીની ટાંકીમાં નાખી દો. પછી તેમાં ૫૦૦ ગ્રામ હળદરનો પાવડર નાખો, હળદર દેશી અને પ્રાકૃતિક હશે તો બહુ જ સરસ. કારણ કે, તેમાં કરકયુમીનનું પ્રમાણ વધુ હોય છે. 

પછી તેમાં ૫૦૦ ગ્રામ આદુની ચટણી ઉમેરો, આદુ પણ દેશી હોય તો સારુ. ન મળે તો કોઈપણ તીખું આદુ લો. પછી તેમાં ૧૦ થી ૨૦ ગ્રામ હિંગનો પાવડર નાખો. હવે આ દ્રાવણ લાકડીથી સારી રીતે હલાવો, ઉપરથી કોથળા વડે ઢાંકી દો. અને છાંયામાં દિવસ રાત રાખો. તેની ઉપર સૂર્યપ્રકાશ કે વરસાદનું પાણી પડે નહીં તેની કાળજી રાખો. બીજા દિવસે સવારે કોથળો હટાવી તે દ્રાવણમાં તમાકુનો પાવડર ૧ કિલો નાખો. ૧ થી ૨ કિલો તીખાં લીલાં મરચાંની ચટણી નાખો. તેમાં ૫૦૦ ગ્રામ દેશી લસણની ચટણી નાખો. પછી આ દ્રાવણ લાકડીથી ડાબેથી જમણી બાજુ ઘડિયાળના કાંટાની દિશામાં હલાવો. કોથળાથી ઢાંકો અને છાંયામાં ૨૪ કલાક રાખો.

આ ૨૪ કલાક પછી કુલ મળીને ત્રણ દિવસ પછી સવારમાં તે દ્રાવણમાં ૨ કિલો લીમડાની નાની-નાની ડાળીઓ પાન સાથે ટૂકડા કરીને નાંખો, ૨ કિલો કરંજના પાન, ૨ કિલો સીતાફળનાં પાન, ૨ કિલો ધતુરાનાં પાન, ૨ કિલો એરંડાનાં પાન, ૨ કિલો નગોડનાં પાન, ૨ કિલો જુઈનાં પાન, ૨ કિલો કરેણનાં પાન, ૨ કિલો તુલસીનાં પાન ડાળીઓ સાથે. ૨ કિલો ગલગોટાનાં પાન ડાળીઓ અને ફૂલ સાથે. ૨ કિલો ગંધારીનાં પાન, ૨ કિલો પપૈયાનાં પાન, ૨ કિલો આંબાનાં પાન, ૨ કિલો હળદરનાં પાન, ૨ કિલો આદુનાં પાન, ૨ કિલો દાડમની સુકેલી છાલનો ભૂકો, ૨ કિલો જાસૂદનાં પાન, ૨ કિલો દેશી બોરડીનાં પાન, ૨ કિલો દેશી બાવળનાં પાન, ૨ કિલો સરગવાનાં પાન, ર કિલો કડવા કારેલાનાં પાન, આમાંથી કોઈપણ ૧૦ પ્રકારના ૨-૨ કિલો પાન તે દ્રાવણમાં નાખો.

આ પાનને તે દ્રાવણમાં વજનથી દબાવો જેથી તે પાણીમાં પૂરા પલળી જાય. શરૂઆતની પ વનસ્પતિનાં પાન મહત્વપૂર્ણ છે. દ્રાવણ કોથળાથી ઢાંકો અને છાંયામાં ૩૦થી ૪૦ દિવસ રાખો. તેની ઉપર સૂર્યનો પ્રકાશ કે વરસાદનું પાણી પડે નહીં તેની કાળજી રાખો. દરરોજ સવાર—સાંજ નાક ઉપર રૂમાલ બાંધીને લાકડીથી એક મિનિટ માટે હલાવો. 

૩૦થી ૪૦ દિવસ પછી કપડાથી ગાળીને સુરક્ષિત જગ્યાએ તેનો સંગ્રહ કરો. આ દસપર્ણી અર્ક તૈયાર થયા પછી છ મહિના સુધી તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ દસપર્ણી અર્કથી બધા જ પ્રકારના કીટક અને ફૂગનું નિયંત્રણ થાય છે. ૧૫ લિટર પાણી + ૫૦૦ થી ૬૦૦ મી. લી. દસ પર્ણી અર્ક અથવા ૧૦૦ લીટર પાણી + ૩ થી ૪ લિટર દસપર્ણી અર્ક મેળવીને પાક ઉપર છંટકાવ કરો.

Related posts

Leave a Comment