હિન્દ ન્યુઝ, વાપી
વલસાડ જિલ્લામાં તા. ૨૩ જુલાઈના રોજ ભારે વરસાદની સાથે પૂર આવતા સુરતથી મહારાષ્ટ્ર જતી ખાનગી ટ્રાવેલ્સની બસ વાપી પાસે ધસમસતા પાણીના પ્રવાહમાં પ્રવાહ ફસાઈ હતી. આ સમયે બસમાં નાના બાળકોમાંથી માંડીને મોટેરા સુધી કુલ ૩૫ જેટલા મુસાફરો હતા જેઓના જીવ તાળવે ચોંટાયા હતા. આખરે ડ્રાઈવરે વલસાડ કલેકટર કચેરીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેલ્પલાઈન પર કોલ કરતા કલેકટરશ્રી નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ માટે તાત્કાલિક સ્થળ પર પહોંચી તમામ ૩૫ મુસાફરોને પોલીસની મદદથી સહી સલામત બહાર કાઢી સુરક્ષિત સ્થળે શેલ્ટર હોમમાં પહોંચાડ્યા હતા. જ્યાં રહેવા – જમવાની સુવિધા પુરી પાડવામાં હતી. જે બદલ આ ખાનગી ટ્રાવેલ્સના માલિક સ્મિતભાઈએ તમામ ૩૫ મુસાફરોનો જીવ બચાવવા બદલ જિલ્લા કલેકટર નીતિન સાંગવાન અને તેમની ટીમનો આભાર માન્યો હતો.
