હિન્દ ન્યુઝ, ભાવનગર
રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી રાજ્યભરના તમામ તાલુકાઓમાં બે દિવસીય કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સાથે જ ભાવનગર જિલ્લાના દસેય તાલુકાઓમાં પણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત તેમજ પશુ આરોગ્ય કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયાં હતાં.આ રવિ કૃષિ મહોત્સવમાં ૧૧ હજારથી વધુ ખેડૂતોએ કૃષિ અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું.
રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો,કૃષિ,બાગાયત, પશુપાલન વિભાગના અધિકારીઓ તથા ખેતી સંશોધન કેન્દ્રોના તજજ્ઞનો દ્વારા પ્રાકૃતિક અને સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, બાગાયતી પાકો સાથે મિક્સ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, પ્રિસીઝન ફાર્મિંગ, કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા વિશે માર્ગદર્શન, મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન સહિતના વિવિધ વિષયો ઉપર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.તથા સ્થળ પર ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોના હસ્તે ખેતીલક્ષી વિવિધ યોજનાઓના ૧૯૨ થી વધુ ખેડૂત લાભાર્થીઓને ખેત સાધન ખરીદી માટે રૂ.૯૦ લાખથી વધુ રકમની સહાય- મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પશુપાલન વિભાગ દ્વારા પશુચિકિત્સાના તાલુકાવાર એક એમ કુલ ૧૦ કેમ્પ તથા પશુ ખસીકરણના કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૭૭૯ થી વધુ લાભાર્થીઓના ૧૨,૭૭૪ પશુઓને વિવિધ સારવાર આપવામાં આવી હતી.
કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમોમાં ખેતી વિષયક તેમજ સેવાસેતુ અંતર્ગત જિલ્લામાં ૧૭૫ સ્ટોલ ઉભા કરીને ખેડૂતોને સરકારની યોજનાકીય માહિતી પુરી પાડી હતી.આ ઉપરાંત પ્રગતિશીલ ખેડૂતો દ્રારા પોતાના પ્રતિભાવો રજૂ કરી ખેતી અંગેના વિચારોનું આદાન-પ્રદાન પણ કરવામાં આવ્યું હતું.
કૃષિ પ્રદર્શની તથા પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જિલ્લામાં તાલુકા દીઠ એક એમ કુલ ૧૦ મોડેલ ફાર્મ નક્કી કરવામાં આવેલ હતા. જેમાં બન્ને દિવસ ૨,૩૧૮ થી વધુ ખેડૂતોએ મુલાકાત કરી માર્ગદર્શન મેળવ્યું હતું.
બનાસકાંઠા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું જીવંત પ્રસારણ તમામ જગ્યાએ કરવામાં આવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, બનાસકાંઠા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટામોઈ ગામના ખેડુત હિંમતભાઇ લક્કડને જુવારની લોકલ જાતમાંથી સિલેકશન દ્વારા વિકસાવેલ જાત માટે મુખ્યમંત્રીના વરદ હસ્તે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તેમજ રાજયના શ્રેષ્ઠ ખેડૂત તરીકે સન્માનિત કરાયાં હતા.