હિન્દ ન્યુઝ, વડોદરા
વડોદરા શહેર જિલ્લામાં વરણામા ત્રિમંદિર ખાતેથી મુખ્ય દંડકશ બાલકૃષ્ણ શુકલે “૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ”નો સાંસદ ડો .હેમાંગ જોશીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ હેઠળ ટીબી રોગનું નિર્મુલન કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર કટીબદ્ધ છે. કોઈપણ વ્યક્તિને ટી.બી.ના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવી તેની સારવાર લેવા તેમણે અનુરોધ કરી દેશમાંથી ટી.બી.રોગના નિર્મૂલન માટે સમાજની ભાગીદારી જરૂરી હોવાનું ઉમેર્યું હતું.
૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ દરમિયાન વડોદરા મહાનગરપાલિકામાં ૪૦૦ થી વધારે આરોગ્ય ટીમો અને જિલ્લામાં ૩૦૦ થી વધારે આરોગ્ય ટીમો દ્વારા ટીબી ના શંકાસ્પદ દર્દીઓ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ શુકલે જણાવ્યું હતું.
સાંસદ ડો.હેમાંગ જોશીએ ટી.બી ના દર્દીઓને સારવાર સાથે લોકભાગીદારીથી જરૂરી પોષણ મળી રહે તે સુનિશ્ચિત કરવા આરોગ્ય અમલદારોને સૂચન કર્યું હતું.આ પ્રસંગે ટીબીની સારવાર લેતા દરદીઓને જનભાગીદારીથી પોષણ કીટનું મહાનુભાવોના હસ્તે
વિતરણ કરવામાં આવ્યું હતું.
ટીબીના નવા કેસ ઝડપથી શોધી અને તેની સઘન સારવાર કરીને ટીબીથી થતા મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવી સમગ્ર રાષ્ટ્રમાં જાહેર આરોગ્યમાં સુધારો લાવવાના હેતુસર આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
પ્રારંભમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ સુતરિયાએ સૌનો આવકાર કરતા જણાવ્યું હતું કે,રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ દિવસ સઘન ઝુંબેશમાં ભારત સરકાર દ્વારા વડોદરા શહેર જિલ્લામાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ દરમિયાન સમાજમાં રહેલા ટીબીના નવા કેસ ઝડપથી શોધી કાઢવા, ત્વરિત અને સઘન સારવાર, તેમજ જનભાગીદારી દ્વારા પોષણયુક્ત આહારની કીટ્સ પૂરી પાડવા જેવી વિવિધ કામગીરી કરવામાં આવશે.
આ પ્રસંગે, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પુરાણી,આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્ર રોહિત, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મથુરભાઈ રાઠોડિયા,કલેકટર બીજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા,જિલ્લા ક્ષય અધિકારી ડો.વિપુલ ત્રિવેદી, શહેર ક્ષય અધિકારી ડો. રસેન્દુ પટેલ, શહેર જિલ્લાના આરોગ્ય કર્મીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.