જોડીયા ખાતે જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાની ઉપસ્થિતમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, જોડીયા

     કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૪ નો સમગ્ર રાજ્યમાં શુભારંભ કરવામાં આવ્યો છે.જેના અનુસંધાને જામનગર જિલ્લામાં પણ તમામ તાલુકા મથકોએ રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં જોડીયા ખાતે જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાની ઉપસ્થિતમાં તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો હતો. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના દાંતીવાડા ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના રવી કૃષિ મહોત્સવનું જીવંત પ્રસારણ આ તબક્કે ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.સાથે સાથે રવી કૃષિ મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ સ્થળે કૃષિ ક્રાંતિને પ્રેરિત કરતા વિવિધ સ્ટોલ્સ ઊભા કરી નિદર્શન કરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી ચાલનારા આ સ્ટોલ પ્રદર્શનીની પ્રથમ દિવસે કલેક્ટરશ્રી સહિત બહોળી સંખ્યામાં ખેડૂતોએ મુલાકાત કરી હતી. જેમાં પ્રાકૃતિક અને પરંપરાગત કૃષિના ઉપયોગ, તેના પોષકગુણો, પાક ઉત્પાદન, જમીનની ગુણવત્તામાં વધારો, આવકમાં વધારો, ખર્ચમાં ઘટાડો જેવી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા.જિલ્લામાં પરંપરાગત ખેતી અને મિલેટ્સના ઉપયોગ અંગે લોકજાગૃતિ લાવવાનુ કાર્ય થઈ રહ્યું છે ત્યારે અહીં મિલેટ્સમાંથી બનતી વાનગીઓનો પણ સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત આંગણવાડીના બહેનો દ્વારા સ્ટોલ પ્રદર્શન થકી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

જિલ્લા ખેતીવાડી વિભાગને લગતી પીએમ કિસાન યોજના સહિત તમામ યોજનાકીય માહિતી અને લાભો, ઇકેવાયસી, લેન્ડ સીડીંગની કામગીરી સહિત બેનર, પેમ્પલેટ્સ તથા સાહિત્ય વિતરણ દ્વારા ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના આયામો બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત સહિતની ખેતી પદ્ધતિથી પણ વાકેફ કરવામાં આવ્યા હતાં.આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ખેડૂતમિત્રોને યોજનાકીય લાભો અંગેના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા.સાથે સાથે કૃષિલક્ષી યોજનાકીય સહાય તેમજ કૃષિ સંશોધન પુરસ્કાર એનાયત કરાયા હતા.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રસિલાબેન ચનીયારા, જિલ્લા પંચાયત સભ્ય ચંદ્રિકાબેન અઘેરા, ધરમશીભાઈ ચનિયારા, ભરતભાઈ દલસાણીયા, જેઠાલાલ અઘેરા, પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિશલે, મામલતદાર એમ.એમ.કવાડીયા, નાયબ ખેતી નિયામક બી.એમ.આગઠ, તાલુકા વિકાસ અધિકારી આર.આર.થોરીયા સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment