હિન્દ ન્યુઝ, જામનગર
ગુજરાતમાં ખેતીના ઉત્પાદનને વધારવા, નવીન તકનીકો ખેડૂત સુધી પહોંચાડવા અને ખેતી ખર્ચ ઘટાડી ખેડૂતોની આવક વધારવા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2005-06 માં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.જે રવિ કૃષિ મહોત્સવ 2024 ની જામનગર જિલ્લાના દરેક તાલુકાઓમાં ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી કૃષિ વિષયક માહિતી મેળવી વિવિધ યોજનાકીય લાભો લીધા હતા.
આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, ભારતની આર્થિક વ્યવસ્થામાં જેનો સૌથી અગત્યનો ફાળો છે તેવા ખેડૂતો અને ખેતી માટે રાજ્ય સરકાર વિજ્ઞાન અને આધુનિકતાના સમન્વય થકી આ ક્ષેત્રનો કઈ રીતે વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.કૃષિ ક્ષેત્રે બહુઆયામી આયોજનો હાથ ધરી ખેડૂતની આવક બમણી કરવાની દિશામાં રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજનાકીય પગલાંઓ લેવાઈ રહ્યા છે.વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા કૃષિ ક્ષેત્રનો ખૂબ જ મહત્વના ફાળો છે ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે સરકારના આ પ્રકારના આયોજનો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.
ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે ભાવિ પેઢીને સ્વચ્છ અને તંદુરસ્ત વારસો આપવા આરોગ્યને અનુકૂળ એવાં શ્રી અન્ન તરફ વળવું ખૂબ જ જરૂરી છે.સાથે સાથે જમીન, પર્યાવરણ અને પરિવારને સ્વસ્થ અને શશક્ત રાખવા પ્રાકૃતિક કૃષિ પણ એટલી જ હિતાવહ છે.
કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ, બાગાયત, આત્મા પ્રોજેકટ, પશુપાલન, મત્સઉદ્યોગ, મિલેટસમાંથી બનાવેલ વાનગીઓનું પ્રદર્શન, સેલ્ફ હેલ્પ ગ્રુપ, પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શન, સૂક્ષ્મ પિયત પદ્ધતિ, ફાર્મ મિકેનાઈઝેશનના સ્ટોલ ઉપરાંત વિવિધ નાગરિકલક્ષી સેવાઓ આપતા અંદાજિત 15 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.સાથે સાથે પશુપાલન વિભાગ દ્વારા સ્થાનિક કક્ષાએ બે દિવસના પશુ આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત કૃષિ વૈજ્ઞાનિક શ્રીમતી એ.સી.દેત્રોજા તેમજ ડો. કે.કે.ઢેઢીએ ઉપસ્થિત ખેડૂતોને સસ્ટેનેબલ ફોર્મિંગ, પ્રાકૃતિક કૃષિ, મિશ્રપાક પદ્ધતિ, મિશ્ર ખેતી વગેરે વિષયો પર વક્તવ્ય આપી કૃષિલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમ અન્વયે કૃષિ સાધન સહાય અંગેના હુકમોનું ખેડૂતો લાભાર્થીઓને વિતરણ કરાયું હતું સાથે સાથે નર્સરી, પશુપાલન તેમજ શાકભાજી વાવેતર ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતો ભાઈઓ બહેનોને પ્રશસ્તિ પત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, હાપા એ.પી.એમ.સી. ચેરમેન મુકુંદભાઈ સભાયા, પ્રાંત અધિકારી કાલરીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગઢવી, બાગાયત અધિકારી ડેર, આગેવાન સર્વ કેશુભાઈ લૈયા, પ્રવીણભાઈ પરમાર, શાંતિલાલ નસિત, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તેમજ બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.