હિન્દ ન્યુઝ, રાજકોટ
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે હેમુગઢવી હોલ ખાતે આયોજિત રાજ્યકક્ષા યુવા ઉત્સવ – ૨૦૨૪નો શુભારંભ મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ ત્રિદિવસીય યુવા ઉત્સવમાં કુલ ૪૦ સ્પર્ધાઓમાં ઝોનકક્ષાએ પ્રથમ ક્રમ અને દ્વિતિય ક્રમે વિજેતા થયેલા કુલ ૧૧૫૦ કલાકારો ભાગ લઈ રહ્યા છે.
આ તકે રાજકોટ શહેરના પ્રથમ નાગરિક નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે અહીં દુહા, છંદ, લોકગીત, લોકનૃત્ય જેવી અનેક કલાઓના કલાકારોને મંચ પ્રાપ્ત થનારું છે. યુવા ઉત્સવ વિસરાતી જતી કળાઓને જીવંત રાખવા તથા વિદ્યાર્થીઓમાં રહેલા સુષુપ્ત કૌશલ્યને ઉજાગર કરવાનું માધ્યમ બન્યો છે. ગુજરાત સરકાર ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, યુવા મહોત્સવ જેવા અનેક પ્રકલ્પો થકી યુવા પ્રતિભાની કલા અને આવડતને પ્રોત્સાહન આપે છે. રાજ્યભરમાંથી ભાગ લેવા આવેલા સ્પર્ધકો ઉત્કૃષ્ટ દેખાવ કરીને રાષ્ટ્રકક્ષાએ વિજેતા બને, તેવી શુભેચ્છા છે. સાથેસાથે સ્પર્ધકો અટલ સરોવર, પ્રદ્યુમ્ન પાર્ક જેવા ફરવાલાયક સ્થળોની મુલાકાત લે, તેવો અનુરોધ છેછે.