ભાવનગર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન મીયાણીના અધ્યક્ષસ્થાને ‘જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો’ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

   ગરીબોના બેલી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સુશાસનનાં સંકલ્પ સાથે જન કલ્યાણના સેવા યજ્ઞ માટે સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન મીયાણીના અધ્યક્ષસ્થાને તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.જેમા સરકારની વિવિધ ૩૫ જેટલી યોજનાના ૪,૨૮૩ લાભાર્થીઓને કુલ રૂ.૫૫૪.૭૬ લાખની સહાય અને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

    અટલ બિહારી બાજપાઇ હોલ, મોતીબાગ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની સાથે ભારત દેશે વિવિધ ક્ષેત્રોમાં વિકાસના સોપાનો સર કર્યાં છે ત્યારે ગરીબ કલ્યાણ મેળા થકી લાભાર્થીઓને એક જ સ્થળેથી એક સાથે માતબર રકમની સહાય આપવામાં આવતી હોવાથી ગરીબ કલ્યાણ મેળાઓ લાભાર્થીઓ માટે ખૂબ જ કલ્યાણકારી બની રહ્યો છે. 

ધારાસભ્યએ ઉમેર્યું હતું કે, સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની સહાય સીધી જ લાભાર્થીના બેક ખાતામાં આપવામા આવતી હોવાથી વચેટીયા પ્રથા નાબૂદ થઈ છે. આજે ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને સહાય કિટ આપવામાં આવી છે જેથી આ કિટ દ્વારા લાભાર્થીઓ પગભર બનવાની સાથે આત્મનિર્ભર પણ બનશે તેવી પ્રતિબધ્ધતા ધારાસભ્યએ વ્યક્ત કરી હતી. સશક્ત ગુજરાત, સશક્ત ભારતના નિર્માણમાં સહભાગી બનવાની સાથે વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. 

ધારાસભ્યએ રાજ્યના મુખ્યમંત્રી અને કલેક્ટર તેમજ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન આપતાં જણાવ્યું કે, ગઇકાલે રાત્રે ભાવનગર નજીક કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન માટે તમિલનાડુના શ્રધ્ધાળુઓની બસ પાણીના પ્રવાહમાં ફસાઈ જતા ૨૮ યાત્રાળુઓનો જીવ જોખમ હતો પરંતુ તંત્રની મહેનત અને સમયસૂચકતાને લીધે તમામ યાત્રાળુઓને હેમખેમ ઉગારી લેવામાં આવ્યાં છે. 

પ્રારંભમાં જિલ્લા કલેકટર આર.કે.મહેતાએ સૌનું સ્વાગત કરી ગરીબ કલ્યાણ મેળા થકી ભાવનગર જિલ્લામાં ૪ હજારથી વધુ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હોવાની સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં અનેક લાભાર્થીઓને જન કલ્યાણકારી યોજનાથી લાભાન્વિત કર્યાં હોવાની જાણકારી પુરી પાડી હતી.

આ અવસરે લાભાર્થીઓએ સહાયથી પોતાના જીવનમાં આવેલ આમૂલ પરિવર્તન અંગે સાફલ્યગાથા રજૂ કરવાની સાથે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ પણ રજૂ કરી હતી. અંતમાં જિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકીએ આભારવિધી કરી હતી. 

કાર્યક્રમ પૂર્ણ થયાબાદ જિલ્લા કલેક્ટર સહિતના અન્ય મહાનુભાવોએ વિવિધ વિભાગના જુદી-જુદી યોજનાઓના સ્ટોલની મુલાકાત પણ લીધી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગરીબ કલ્યાણ મેળામાં ભાવનગર જિલ્લાના મેળા પહેલાંના ૬૧,૩૬૯ અને મેળા દરમ્યાનના ૪,૨૮૩ લાભાર્થીઓનો સમાવેશ કરવાની સાથે ભાવનગર ગ્રામ્ય, નગરપાલિકા વિસ્તાર અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના લાભાર્થીઓને જુદી જુદી ૩૫ યોજના જેવી કે અન્નપૂર્ણા યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના, જનની સુરક્ષા યોજના, માનવ કલ્યાણ યોજના ખાસ અંગભૂત યોજના, ઝુંપડા વિજળી કરણ યોજના, વ્હાલી દિકરી યોજના, આવાસ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. 

કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર સુજીત કુમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, પ્રોબેશનરી આઈ.એ.એસ. અધિકારી આયુષી જૈન, જિલ્લાના અધિકારીઓ- પદાધિકારીઓ, લાભાર્થીઓ સહિત ભાવનગરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.  

Related posts

Leave a Comment