આણંદના મૂક બધિર રચનાબેન માટે ખુશીનો પર્યાય બનતો ગરીબ કલ્યાણ મેળો

હિન્દ ન્યુઝ, આણંદ

         આણંદ જિલ્લામાં યોજાયેલા જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળા થકી જિલ્લાના ૧,૯૭૬ લાભાર્થીઓને રૂપિયા ૩.૨૩ કરોડની સાધન – સહાય અર્પણ કરવામાં આવી હતી. જિલ્લાના લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ આપવામાં આવ્યો હતો. આ લાભાર્થીઓમાં આણંદ જિલ્લાના તારાપુરના રહેવાસી મૂકબધિર રચનાબેન ઠક્કરનો પણ સમાવેશ થાય છે.

રચનાબેન પોતે પાપડ બનાવવાનો ગૃહ ઉદ્યોગ કરી તેમના પતિને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થાય છે. તેમને આ ગરીબ કલ્યાણ મેળામાં સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ચાલતી દિવ્યાંગ સાધન સહાયની યોજના અંતર્ગત પાપડ બનાવવાની કીટ સાધન સહાય રૂપે અર્પણ કરવામાં આવી હતી.

આણંદના ગોકુલધામ, નાર ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં દિવ્યાંગ સાધન સહાયની યોજના અંતર્ગત રચનાબેન ઠક્કરને પાપડ બનાવવાની કીટ મળતા તેમણે તેમની સાઈન લેન્ગ્વેજ દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે, મને ગરીબ કલ્યાણ મેળામાંથી આ સાધન સહાયરૂપે મળતાં મને અત્યંત ખુશી થાય છે. આ પાપડ બનાવવાની કીટ મળતા હવે હું મારા પરિવારને ગુજરાન ચલાવવામાં મદદરૂપ બની શકીશ.

મૂક બધિર રચનાબેન માટે ગરીબ કલ્યાણ મેળો ખુશીનો પર્યાય બનતા તેઓએ તેમની સાઈન લેન્ગ્વેજ દ્વારા સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

Leave a Comment