હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ને ગ્રામ્યસ્તરે પણ વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું ગીરગઢડા તાલુકાના લુવારીમોલી ખાતે ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે, આરોગ્ય કેમ્પમાં ૪૦ કરતા વધુ લોકોએ આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી અને ૮ કરતા વધુ લોકોને ટીબીલક્ષી તપાસ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ યાત્રાના માધ્યમથી ઉજ્જવલા યોજનાના નવા ૦૨ લાભાર્થી નોંધાયા હતા તો આરોગ્ય વિભાગ દ્વારા નવા ૪૮ આયુષ્માન કાર્ડ પણ બનાવી આપવામાં આવ્યા હતાં.
આ તકે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાની માહિતી અંગે શોર્ટફિલ્મ નિહાળી હતી અને ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવા સામુહિક શપથ લીધા હતા. આ સાથે જ સોઈલ હેલ્થ કાર્ડ નિદર્શન અને ખેડૂતો માટે ડ્રોન પ્રદર્શન પણ યોજાયું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી આપી યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો. મેરી કહાની, મેરી જુબાની હેઠળ સ્થાનિક લાભાર્થીઓએ પણ યોજનાનાં લાભથી પોતાના જીવનમાં આવેલા પરિવર્તન અંગેની સાફલ્યગાથા ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી હતી.
આ પ્રસંગે તાલુકા અને જિલ્લાનાં પદાધિકારીઓ ભગવતીબહેન સાંખટ, ડાયાભાઈ જાલોંધરા, દ્વારકાદાસ દોમડીયા, પ્રવીણભાઈ સાંખટ, કાળુભાઈ રુપાલા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ, ગામના આગેવાનો, સંબંધિત વિભાગના કર્મચારીઓ, શાળાના બાળકો સહિત લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.