આણંદ જિલ્લાનું શિક્ષણ ક્ષેત્રનું ગૌરવ : સપ્તર્ષિ સમા ૭ ગુરૂજનોને એક સાથે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક

પમી સપ્ટેમ્બર : શિક્ષક દિવસ

હિન્દ ન્યુઝ, આણંદ

    પ મી સપ્ટેમ્બર..ડૉ.સર્વપલ્લી રાધા કૃષ્ણનની યાદમાં તંદુરસ્ત સમાજનું ઘરતર કરનાર શિક્ષકોનું બહુમાન કરવામાં આવે છે.

        વર્ષ – ૨૦૨૪-૨૫ માટે આણંદ જિલ્લાના કુલ ૭ જેટલા શિક્ષકોનું રાષ્ટ્રીય,રાજ્ય ,જિલ્લા તથા તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરાઈ છે.

રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક…

        આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વડદલા હાઈસ્કુલના આચાર્યશ્રી વિનયભાઈ પટેલની નેશનલ ટીચર્સ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

        રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ શ્રેષ્ઠ શિક્ષકને રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માનિત કરાશે

        આણંદ તાલુકાની કરમસદની પીએમશ્રી સજના તલાવડી પ્રાથમિક શાળાના આચાર્યા શ્રી જિનેશાબેન શાહની રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે.

        જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોને જિલ્લા કક્ષાના શિક્ષણદિનની ઉજવણી પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રીના હસ્તે સન્માનિત કરાશે…

        ઉમરેઠ તાલુકાના હમીદપુરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અમીન મનોજકુમાર મુળજીભાઈની જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત આણંદ તાલુકાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ખેતીવાડી શાળાના શિક્ષિકાશ્રી બિનલ બહેન મેકવાનની પસંદગી કરવામાં આવી છે.

        તાલુકા કક્ષાએ ત્રણ શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક માટે પસંદગી કરવામાં આવી છે, જેમાં ઉમરેઠના બાજીપુરા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાશ્રી ગીતાબેન મુળજીદાસ દરજી, આણંદના હાડગુડ ગામની પીએમશ્રી પ્રાથમિક ગુજરાતી શાળાના શિક્ષિકાશ્રી શિલ્પાબેન રમણભાઈ પટેલ તથા ખંભાત તાલુકાની કલમસર ગામની પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી અજીતકુમાર ગુલાબસિંહ સિંધાની તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે.

        આમ, આણંદ જિલ્લાના સપ્તર્ષિ સમા શ્રેષ્ઠ ૭ ગુરૂજનોએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવીને આણંદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.


Related posts

Leave a Comment