હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
શાળામાં 100% બાળકોનું નામાંકન, ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એવા હેતુસર સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સાબરમતી ઓડિટોરિયમ હોલ, સ્વર્ણિમ સંકુલ-1 ખાતેથી શાળા પ્રવેશોત્સવ અંગે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સર્વે જિલ્લાના અધિકારી-કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લાની તમામ સરકારી બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આગામી તા.27,28 અને 29 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે શાળા પ્રવેશોત્સવના સુચારૂ આયોજન માટે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કલેક્ટરએ કાર્યક્રમના રૂટ, અધિકારી-પદાધિકારી ઓ સહિતના મહાનુભાવોને શાળાઓની ફાળવણી બાબતે કરવાની થતી વ્યવસ્થાઓ અને આયોજન અંગેની વિગતો મેળવી સુનિયોજીત વ્યવસ્થા માટે માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન વેરાવળના 10, તાલાળાના 8, કોડિનારના 11, સૂત્રાપાડાના 9, ઉનાના 13 અને ગીરગઢડાના 9 એમ કુલ મળી 60 રૂટ પર ધોરણ -1માં કુલ 11,451, બાલવાટિકામાં 11,929 તેમજ ધોરણ 9માં 15,112 જેટલા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રવેશ આપવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી સર્વ વિનોદ જોશી, ચિરાગ હિરવાણિયા, જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ સહિત શીર્ષ અધિકારીઓએ બાયસેગ મારફત જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
Advt.