જિલ્લા કલેક્ટરની ચોમાસા પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે વેરાવળ શહેરમાં પાણી ભરાતાં સ્થળોની રૂબરૂ મુલાકાત

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

     ચોમાસું દરવાજે દસ્તક દઈ રહ્યું છે ત્યારે વેરાવળ શહેરમાં પાણી ભરાતાં વિસ્તારોની સમસ્યા ન ઉદભવે તે માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા તંત્ર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે આગોતરી તૈયારી સાથે શહેરના નદી-નાળા, કાંસ અને વહેણની સફાઈના કાર્યો હાથ ધરવામાં આવ્યાં છે.

આ કામગીરી અંતર્ગત આજે જિલ્લા કલેક્ટરએ દેવકા નદી, ગોદળશા તળાવ, મદિના પાર્ક, બાગ-એ-રહેમત સહિતના વિસ્તારોની જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર અને જિલ્લાના અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી.

કલેક્ટરએ વેરાવળ શહેરમાંથી સમુદ્રને મળતી દેવકા નદીમાં ઉગી નીકળેલાં ઝાડી-ઝાંખરાને જેસીબીની મદદથી સાફ કરવાની કામગીરીની શરૂઆત કરાવીને નદીને સ્વચ્છ બનાવી ચોમાસાનું પાણી ઝડપથી નીતરી અને સમુદ્રમાં મળી જાય અને વેરાવળ શહેરમાં પાણી ન ભરાય તે માટેની કામગીરીનું પ્રત્યક્ષ નિરિક્ષણ કર્યું હતું.

તેમણે મદિના પાર્ક અને બાગ-એ-રહેમત વિસ્તારમાં નાગરિકોની ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા અને રેલવે ઓવરબ્રિજ બનવાના કારણે આવાગમન માટે ટ્રાફિકની સમસ્યાની રજૂઆત સાંભળી હતી. જેનો સાનુકૂળ પ્રતિભાવ આપતાં કલેક્ટરએ રેલવે તંત્ર સાથે સંકલનમાં રહીને વૈકલ્પિક માર્ગ આપવાં તથા પાણી ભરાવાની સમસ્યાનું સત્વરે નિરાકરણ આવે તે માટે ગટરની સફાઈ, કચરાની સફાઈ ઝડપથી થાય તે માટેની સૂચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી.

કલેક્ટરએ આ સાથે વેરાવળ શહેરનો કચરો જ્યાં એકત્ર કરવામાં આવે છે તેવી ડમ્પિંગ સાઈટ ખાતે ખેડૂતોને અપાઈ રહેલા ખાતરની યોગ્ય અને પારદર્શક વ્યવસ્થાઓ ગોઠવી ખેડૂતોને તકલીફ ન પડે એ પ્રકારની સુનિશ્ચિત વ્યવસ્થા ગોઠવવા માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ મુલાકાત દરમિયાન નાયબ કલેકટર-૧ ભૂમિકાબેન વાટલીયા, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એ.પી.કલસરીયા, વેરાવળ શહેર મામલતદાર જેઠાભાઈ શામળા, ચીફ ઓફિસર ચેતન ડૂડિયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રહ્યાં હતાં.

રિપોર્ટર : હરેશ વધવા,  સોમનાથ

Related posts

Leave a Comment