હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ લોકસભા મતવિસ્તારના વિવિધ મતવિભાગોમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે ખંભાત તાલુકામાં આવેલા શક્કરપુર ગામ ખાતે સખીમંડળની બહેનો દ્વારા મતદાન જાગૃતિ રેલી કાઢીને મતદાન જાગૃતિનું ગીત રજૂ કરી મતદારોને અવશ્ય મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યાં હતાં.
બોરસદ નગરપાલિકા વિસ્તારમાં યોજાયેલ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં “હું અવશ્ય મતદાન કરીશ” સૂત્રની રંગોળી બનાવીને મતદારો દ્વારા અચૂક મતદાન કરવાના શપથ લેવામાં આવ્યા હતાં.
આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં યોજાયેલ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મતદારોને મતદાનનું મૂલ્ય સમજાવીને તેમને મતાધિકારનો ઉપયોગ કરીને અચૂક મતદાન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા.
જ્યારે પેટલાદ તાલુકાના પોરડા ગામે મતદારોને મતદાન કરવા અંગે પ્રેરિત અને જાગૃત કરવા આંગણવાડી બહેનો દ્વારા આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી. તેમજ મતદારો પોતે અવશ્ય મતદાન કરે તેમજ અન્યોને પણ મતદાન કરવા પ્રેરિત કરવા માટે જણાવવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમો દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ, તલાટી, આંગણવાડી કાર્યકર બહેનો, સખીમંડળની બહેનો, મહિલાઓ સહિત શહેરીજનો તથા ગ્રામજનો હાજર રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આણંદ લોકસભા મતવિસ્તારની ચૂંટણીમાં આણંદ જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રયાસો હાથ ધરાયાં છે.