૧૯૯૯ ની લોકસભાની સામાન્ય ચૂંટણીના લેખાજોખા

હિન્દ ન્યુઝ, આણંદ

   ભારતની આઝાદી બાદની ૧૩ માં ચરણની લોકસભાની સામાન્ય ચૂંટણી ૧૯૯૯ ના વર્ષમાં યોજાઈ હતી. સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ ૨૬ બેઠકો ઉપર ચૂંટણી જંગ ખેલાયો હતો. ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે તા. પ મી સપ્ટેમ્બર-૧૯૯૯ ના રોજ મતદાન થયું હતું, જ્યારે ૬ ઠ્ઠી ઓક્ટોબર-૧૯૯૯ ના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

        ૧૯૯૯ ના વર્ષમાં ગુજરાતમાં યોજાયેલ લોકસભાની સામાન્ય ચૂંટણીની એક અગત્યની બાબત એ રહી હતી કે, ગુજરાતની ૨૬ બેઠકો ઉપર ઉમેદવારી પત્રો ભરીને ઉભા રહેલા ૧૫૯ ઉમેદવારો પૈકી પ્રત્યેક બેઠકના વિજેતા અને હરિફ ઉમેદવારને બાદ કરતા તમામ ઉમેદવારોએ એટલે કે, ૧૫૯ ઉમેદવારોમાંથી ૧૦૭ ઉમેદવારોએ તેમની ડિપોઝિટ ગુમાવી હતી. ડિપોઝિટ ગુમાવેલ ઉમેદવારોમાં રાષ્ટ્રીય પક્ષના ૧૭, રાજ્ય પક્ષના ૨૩, નોંધાયેલા પક્ષના ૦પ અને ૬૨ અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

        લોકસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાંથી ૨૪૦ પુરૂષ અને ૯ મહિલા મળી કુલ ૨૪૯ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જે પૈકી ૬૩ પુરૂષ અને ૧ મહિલાનું ઉમેદવારી પત્ર રદ થયું હતું. જ્યારે ૨૬ પુરૂષ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચતા સમગ્ર ગુજરાતમાં ૧૫૧ પુરૂષ અને ૮ મહિલા મળી કુલ ૧૫૯ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.

        ૧૯૯૯ ના વર્ષમાં ગુજરાતની ૨૬ બેઠકો ઉપર ૧,૫૨,૨૪,૩૬૦ પુરૂષ અને ૧,૪૨,૮૮,૦૪૨ મહિલા મતદારો મળી કુલ ૨,૯૫,૧૨,૪૦૨ મતદારો નોંધાયા હતા જેમાંથી ૮૦,૫૨,૧૪૩ પુરૂષ અને ૫૮,૨૬,૪૬૮ મહિલા મતદારો મળી કુલ ૧,૩૮,૭૮,૬૧૧ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા સમગ્ર ગુજરાતમાં ૪૭.૦૩ ટકા મતદાન નોંધાયું હતું. આ મતદાન પૈકી ૧.૮૭ ટકા મત એટલે કે, ૨,૫૯,૫૮૪ મત રદ થયા હતા.

        સમગ્ર ગુજરાતની સાથે આણંદ મતદાર વિભાગની યોજાયેલ ચૂંટણીમાં ૫૩.૫૩ ટકા મતદાન થયું હતું. આ મતદાર વિભાગમાં ૫,૪૧,૩૬૦ જનરલ અને ૫૩ સેવા (સર્વિસ) મતદારો મળી કુલ ૫,૪૧,૪૧૩ પુરૂષ મતદારો તથા ૫,૦૫,૮૩૯ જનરલ અને ૨૦ સેવા (સર્વિસ) મતદારો મળી કુલ ૫,૦૫,૮૫૯ મહિલા મતદારો નોંધાયા હતા. જિલ્લામાં નોંધાયેલા પુરૂષ મતદારો પૈકી ૬૧.૧૧ ટકા પુરૂષ મતદારોએ જ્યારે નોંધાયેલા મહિલા મતદારો પૈકી ૪૫.૪૨ ટકા મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં આણંદ મતદાર વિભાગના ૧૪ પુરૂષ અને ૬ મહિલા મળી કુલ ૨૦ સર્વિસ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. લોકસભાની આ ચૂંટણીમાં સરેરાશ ૮૩૭ મતદારોની સામે ૧ મતદાન મથક મુજબ સમગ્ર મતદાર વિભાગમાં કુલ ૧,૨૫૧ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હતા.

        આણંદ બેઠકની ચૂંટણી અન્વયે મત ગણતરી તા. ૬-૧૦-૧૯૯૯ ના રોજ યોજાઈ હતી. ચૂંટણી પરિણામ બાદ આ બેઠક ઉપર વિજેતા ઉમેદવારને ૨,૭૩,૬૮૩ મત અને હરિફ ઉમેદવારને ૨,૭૦,૦૨૨ મત મળ્યા હતા.

Related posts

Leave a Comment