હિન્દ ન્યુઝ, આણંદ
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારી/ કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીના દિવસે ફરજ પર હોય તેવા અધિકારી-કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતુ.
આણંદ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા સરકાર ફરજ પરના અધિકારીઓ તથા કર્મચારીઓએ આણંદ મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહીને પોસ્ટલ બેલેટથી મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની ફરજ પણ નિષ્ઠાપૂર્વક બજાવી લોકશાહીના મહા ઉત્સવ સમી ચૂંટણીમાં પોતાની નૈતિક ફરજ અદા કરી હતી.
આણંદ મામલતદાર કચેરી ખાતે યોજાયેલ ચૂંટણી ફરજ પરના અધિકારી – કર્મચારીઓ માટેની આ મતદાન પ્રક્રિયા દરમિયાન જિલ્લાના આણંદ વિધાનસભા મતવિસ્તારના પ્રાંત અધિકારી મયુરભાઈ પરમાર, નાયબ પોલીસ અધિક્ષક પંચાલ, મામલતદાર તથા નાયબ મામલતદાર દિપક રાઠોડ સહિતના સરકારી ફરજ પરના અધિકારી – કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતુ.
વધુમાં પોસ્ટલ બેલેટ થકી ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ તથા કર્મચારીઓ આગામી તા.૦૪ મે શનિવાર સુધી મતદાન કરશે, તેમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.