હિન્દ ન્યુઝ, સુરત
શુક્રવાર સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના અંતરિયાળ અને પહાડી વિસ્તાર માટે રાજ્ય સરકારની ‘તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદ્વવહન સિંચાઈ યોજના’ આર્થિક અને સામાજિક પરિવર્તનનું નિમિત્ત બનશે. કારણ કે તાપી-કરજણ લિંક ઉદ્દવહન પાઈપલાઈન યોજનાનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કરશે. વર્ષોથી માત્ર વરસાદી ખેતી પર નિર્ભર રહેતા આદિવાસી ખેડૂતો માટે હવે બારેમાસ સિંચાઈનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે.
તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદ્વવહન સિંચાઈ યોજનાના મળનાર લાભ વિષે ઉમરપાડા તાલુકાના ઉમરદા ગામના ખેડૂત કિશોરભાઈ પાડવી પોતાનો હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હવે આકાશી ખેતીનો અંત આવશે. અમારા ગામમાં સરકારની સિંચાઇ યોજનાના લાભથી ખેતર સુધી પાઇપલાઇન દ્વારા સીધું ખેતરમાં પાણી મળશે. અને હવે બારેમાસ ઘાસચારો ઉપલબ્ધ થવાથી દૂધની આવકમાં પણ વધારો થશે અને પશુપાલકો સમૃદ્ધ બનશે. આર્થિક સદ્ધરતા આવવાથી બાળકોને સારું શિક્ષણ આપી શકાશે અને વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે. પાઈપલાઈન દ્વારા છેવાડાના ખેતર સુધી પાણી પહોંચાડવાના રાજ્ય સરકારના આ ભગીરથ અને સંવેદનશીલ પ્રયાસ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી રહ્યા છે.
