જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં રૂ.૨.૯૯ કરોડના ખર્ચે નવનિર્મિત છોટાઉદેપુર તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ‘કન્સ્ટ્રક્શન ઓફ તાલુકા પંચાયત ઓફિસ બિલ્ડીંગ (સી.ડી.પી.૩)’ યોજના હેઠળ રૂ. ૨.૯૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત છોટાઉદેપુર તાલુકા પંચાયત ભવનને જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા અને સાંસદશ્રી જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં જનતાની સેવામાં સમર્પિત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા એ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી, સરળ, પારદર્શક અને નાગરિક કેન્દ્રી બને તે દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. છોટાઉદેપુર તાલુકા પંચાયત ભવન રૂ.૨.૯૯ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું નવું ભવન તમામ સુવિધાઓ, આધુનિક સવલતોથી સજ્જ છે.

વધુમાં તેમણે જણાવ્યું કે નવ નિર્મિત આધુનિક બિલ્ડીંગ બનવાથી સ્થાનિક ગ્રામીણ પ્રજાજનોને પંચાયતને લગતી તમામ જનકલ્યાણકારી યોજનાઓ, દાખલાઓ અને વહીવટી માર્ગદર્શન એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ બનશે. આનાથી વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચેનું સંકલન વધુ સુદ્રઢ બનશે અને આ વિસ્તારના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈ પ્રાપ્ત થશે.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો સાંસદ જશુભાઈ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણ રાઠવા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. સાથે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન હેમાબેન રાઠવા તથા છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંગાડા, અગ્રણી ઉમેશભાઈ રાઠવા, તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ પંચાયતોના સરપંચો, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment