હિન્દ ન્યુઝ, આણંદ
લોકસભાની ૧૨ મી સામાન્ય ચૂંટણી ૧૯૯૮ ના વર્ષમાં યોજાઇ હતી. જેમાં ગુજરાત રાજ્યની ૨૬ બેઠકોની ચૂંટણી અન્વયે તા. ૨૮ મી ફેબ્રુઆરી – ૧૯૯૮ ના રોજ મતદાન થયું હતું, અને તા. ૨ જી માર્ચ – ૧૯૯૮ ના રોજ મત ગણતરી થઈ હતી.
ગુજરાત રાજ્યમાં યોજાયેલી લોકસભાની આ સામાન્ય ચૂંટણીની વાત કરીએ તો, સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા ૨,૮૭,૭૦,૩૦૬ મતદારો પૈકી ૫૯.૩૧ ટકા મતદારોએ એટલે કે, ૧,૭૦,૬૨,૮૩૭ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
૧૯૯૮ ના વર્ષમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં રાજ્યના પુરૂષ અને મહિલા મતદારોએ કરેલા મતદાનને સવિસ્તાર જોઈએ તો, સમગ્ર ગુજરાતમાં તે સમયે ૧,૪૭,૭૭,૯૦૮ પુરૂષ અને ૧,૩૯,૯૨,૩૯૮ મહિલા મતદારો નોંધાયા હતા. આ મતદારો પૈકી ૬૩.૨૯ ટકા એટલે કે, ૯૩,૫૩,૨૬૩ પુરૂષ અને ૫૫.૧૦ ટકા એટલે કે, ૭૭,૦૯,૫૭૪ મહિલા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ગુજરાતની ૨૬ બેઠકો ઉપર વધુમાં વધુ ૮ અને ઓછામાં ઓછા ૨ (બે) ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી હતી. સમગ્ર રાજ્યની વાત કરીએ તો, ગુજરાતમાં ૧૩૨ પુરૂષ અને ૭ મહિલા મળી કુલ ૧૩૯ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરી ચૂંટણી જંગ લડ્યા હતા. ચૂંટણી પરિણામ બાદ ૭ મહિલા ઉમેદવારો પૈકી ૨-સુરેન્દ્રનગર, ૬-જુનાગઢ, ૧૫-સાબરકાંઠા અને ૨૨-બરોડા બેઠક ઉપરના મહિલા ઉમેદવારો વિજેતા થયા હતા, જ્યારે અન્ય ૩ મહિલા ઉમેદવારોની સાથે ૭૭ પુરૂષ ઉમેદવારો મળી કુલ ૮૦ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી.
સમગ્ર રાજ્યની સાથે આણંદ સંસદીય મતદાર વિભાગની બેઠક માટેની ચૂંટણી પણ યોજાઈ હતી. આ ચૂંટણીમાં પાંચ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાંથી ૧ ઉમેદવારી પત્ર રિજેક્ટ થયું હતું, જ્યારે ૨ (બે) ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચતા આણંદ બેઠક ઉપરના આ ચૂંટણી જંગમાં માત્ર ૨ (બે) ઉમેદવારો રહ્યા હતા.
આણંદ લોકસભા મતદાર વિભાગમાં ૫,૩૦,૬૬૩ જનરલ અને ૩૩ સર્વિસ મતદાર મળી કુલ ૫,૩૦,૬૯૬ પુરૂષ મતદારો તથા ૪,૯૮,૧૯૯ જનરલ અને ૧૬ સર્વિસ મતદાર મળી કુલ ૪,૯૮,૨૧૫ મહિલા મતદારો નોંધાયા હતા. જે પૈકી ૭૦.૨૨ ટકા એટલે કે, ૩,૭૨,૬૩૮ પુરૂષ મતદારોએ અને ૬૦.૫૩ ટકા એટલે કે, ૩,૦૧,૫૭૭ મહિલા મતદારોએ મતદાન કરતાં આ બેઠક ઉપર ૬૫.૫૩ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. આ મતદાન પૈકી ૫.૩૪ ટકા મત એટલે કે, ૩૬,૦૧૧ મત રિજેક્ટ થયા હતા.
આણંદની આ બેઠકની ચૂંટણીનું પરિણામ આવતા વિજેતા ઉમેદવારને ૩,૩૭,૨૬૫ મત અને હરીફ ઉમેદવારને ૨,૯૯,૨૦૯ મત મળ્યા હતા. વિજેતા ઉમેદવારે તેના હરીફ ઉમેદવારથી ૫.૯૮ ટકા એટલે કે, ૩૮,૦૫૬ મતની સરસાઇથી વિજય મેળવ્યો હતો