જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર 

    જામનગર જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જામનગર જિલ્લો ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોની દ્રષ્ટિએ સૌરાષ્ટ્ર પંથકમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. બેઠકમાં જિલ્લા કલેકટર એ સમિતિના સદસ્યો સાથે પરામર્શ બાદ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં અનેક સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળો આવેલા છે અને પ્રવાસન ક્ષેત્રમાં વિકાસની ઉત્તમ તકો રહેલી છે. રાજ્યમાં મોઢેરા સૂર્યમંદિર બાદ બીજું સુર્યમંદિર જામનગરમાં આવેલું છે, જે જિલ્લાની વિશેષતા છે. બાલાચડી બીચ અને મરિન નેશનલ પાર્કમાં ઈકો ટુરિઝમ પ્લેસ તરીકે તેને વિકસિત કરવાની ઉજળી તક રહેલી છે.

કલેકટર એ આગળ જણાવ્યું હતું કે, સીદસર ઉમિયાધામ, ગોપનું સૂર્યમંદિર, ગોપનાથ મહાદેવ મંદિર, રણુજા મંદિર, દાણીધર મંદિર, પ્રગટેશ્વર મહાદેવ મંદિર, બાડા ગામમાં હાટકેશ્વર મહાદેવ મંદિર, પસાયામાં મહાકાળી માતાજી મંદિર, સપડામાં ગણપતિ મંદિર, શીતળા મંદિર, ચુરી માતાજી મંદિર, મચ્છુ માતાજી મંદિર સહિત વિવિધ લોકપ્રિય પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો પર યાત્રિકો માટે પીવાના પાણીની સુવિધા, ટોયલેટ બ્લોક, પેવરબ્લોક, સોલાર લાઈટ્સ, ગાર્ડન વર્ક, પાર્કિંગ પ્લોટ, ડસ્ટબીનની સુવિધા સહિત વિવિધ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ય બને તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારુ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પ્રવાસન સ્થળોનું વિકાસનું કામ ઝડપી બને તે માટે સ્પેશિયલ નોડલ ઓફિસરની નિમણુંક કરાશે. તેમજ જિલ્લાના પ્રવાસન સ્થળનો વિશેષ ડેટા એકત્ર કરવામાં આવશે.

આ સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, વાસ્મો યુનિટ મેનેજર ભાવિકા જાડેજા તેમજ સમિતિના અન્ય સદસ્યો હાજર રહ્યા હતા.

 

 

 

 

Related posts

Leave a Comment