જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને લાલપુરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

   કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચી શકે તેવા ઉમદા હેતુથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને જામનગર જિલ્લામાં ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને લાલપુર તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી મેયબેન ગરસર અને મંચસ્થ મહેમાનોના હસ્તે લાભાર્થીઓને મંજૂરી પત્રો અર્પણ કરાયા હતા. તેમજ મંચસ્થ મહેમાનોના હસ્તે લાલપુર તાલુકા પંચાયત હેઠળ સમાવિષ્ટ 19 ગામોને ડોર-ટુ-ડોર વેસ્ટ કલેકશન માટે ઈ-રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે જામનગર જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા ઘરે-ઘરેથી વેસ્ટ કલેક્શન નિયમિતપણે કરવામાં આવે છે. આ અત્યાધુનિક ઈ-રીક્ષાના વપરાશથી સમય, નાણાં અને શક્તિનો બચાવ થાય છે.

આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના વિવિધ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ અન્ય સરકારી યોજનાઓના લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાનીમાં પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. આ ઉપરાંત વિશિષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરેલા લાલપુરના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં લાલપુર ગ્રામ સરપંચ શ્રી જયેશ તેરૈયાએ ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ તેમનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભીનું સ્વાગત કરાયું હતું. વીર સાવરકર હાઈસ્કૂલની વિધાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવી, લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, લાલપુર પ્રાંત અધિકારી અસવાર, લાલપુર તાલુકા વિકાસ અધિકારી પંકજ મહેતા, લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા હતાં.

 

 

 

 

 

 

Related posts

Leave a Comment