હિન્દ ન્યુઝ, જામનગર
દેશમાં પ્રત્યેક નાગરિક સુધી સરકારી લાભો પહોંચાડવા અને તેમની સમસ્યાના સમાધાનના ઉદ્દેશ સાથે શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આગળ વધી રહી છે. ત્યારે જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ દરરોજ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તા.7 જાન્યુઆરીના રોજ લાલપૂર તાલુકાના ખડખંભાળીયા અને મચ્છુબેરાજા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતાં ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓ વિષે જાણકારી મેળવી હતી.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકીય લાભો લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ આયુષ્માન કાર્ડ, જલ જીવન મિશન, જન ધન યોજના, પીએમ કિશાન યોજના,ઓડીએફ પ્લસ થયેલ ગ્રામ પંચાયત અને 100% જમીન રેકર્ડ ડિઝિટલાઈઝેશન થયેલ ખડખંભાળીયા અને મચ્છુબેરાજા ગ્રામ પંચાયતોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ગ્રામજનોએ વડાપ્રધાનનો રેકોર્ડેડ સંદેશ સાંભળ્યો હતો તેમજ ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લીધા હતા.