સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જામનગર

સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ સાંસદ દ્વારા પસંદ થયેલ જામનગર જિલ્લાના ગામોના વિકાસ કાર્યોની સમીક્ષા અંગે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાસંદ દ્વારા જામનગર જિલ્લાના ચાર ગામોને આદર્શ ગ્રામ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં જાંબુડા, આણંદપર, સિદસર, બાલંભાનો સમાવેશ થાય છે.

આ બેઠકમાં સાસંદએ આદર્શ ગામડાઓમાં થયેલા વિકાસ કાર્યો અંગે ચર્ચા કરી હતી. તેમજ ગામડાઓમાં સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો લે તે પ્રકારે કામગીરી કરવા લગત અધિકારી ઓને સૂચનો પૂરા પાડયા હતા. તેમજ લોકોની પાયાની જરૂરીયાતો યોગ્ય રીતે સંતોષાઇ રહી છે તેનું અધિકારીઓને જાતે નિરીક્ષણ કરવા જણાવ્યું હતું.

આ યોજના હેઠળ સરકાર દ્વારા ઓળખવામાં આવેલા ગ્રામીણ વિસ્તારોના મોડલને એવી રીતે વિકસાવવામાં આવે છે કે જેથી પડોશી પંચાયતોને તે મોડલ શીખવા અને અપનાવવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન મળે. મજબૂત અને આત્મનિર્ભર ગ્રામ પંચાયતો થકી ત્યાંનાં લોકોનું જીવનધોરણ પણ ઊંચું આવે અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકો સારી રીતે જીવન જીવી શકે તે દિશામાં કામગીરી કરવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના ગામડાઓનો વિકાસ કરવાનો છે.

આ બેઠકમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, કલેકટર બી. એ. શાહ, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેકટર બી. એન. ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચૌધરી, પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ લગત વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment