તા. ૧૪ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, બહુમાળી ચોક, રેસકોર્સ ખાતેથી જ્યુબિલી ગાર્ડન ચોકમાં પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી

હિન્દ ન્યુઝ, રાજકોટ

અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશને આઝાદ કરાવવા લાખો સ્વાતંત્ર્ય સૈનિકો અભૂતપુર્વ જંગ લડ્યા હતા. આ લડત દરમ્યાન અનેક ક્રાંતિકારીઓએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. આ ક્રાંતિવીરોએ આપેલા બલિદાનના પરિણામરૂપે આપણો દેશ આઝાદી ભોગવી રહ્યો છે. સ્વાતંત્ર્ય સૈનિકોની આ રાષ્ટ્રભક્તિ લોકોના હદયમાં કાયમ જીવંત રહે અને દેશદાઝ સતત પ્રજ્વલિત રહે તે માટે કેન્દ્ર સરકારશ્રી દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુને વધુ પ્રબળ બને તેવા ઉમદા આશય સાથે ભારત સરકારશ્રી દ્વારા “તિરંગા યાત્રા” તથા “હર ઘર તિરંગા” અભિયાનનું સમગ્ર દેશમાં તા. ૧૩-૦૮-૨૦૨૩ થી તા. ૧૫-૦૮-૨૦૨૩ દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આ દિવસો દરમ્યાન ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવી “હર ઘર તિરંગા” લહેરાવવાની સાથોસાથ તા. ૧૪-૦૮-૨૦૨૩ના રોજ સવારે “તિરંગા યાત્રા”નું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આયોજન કરાયું છે.

આ ઉપરાંત તા. ૧૪મી ઓગસ્ટના રોજ સવારે ૦૭:૩૦ વાગ્યે શાળાઓના બાળકો અને શિક્ષકોની “પ્રભાત ફેરી”નું પણ આયોજન કરવામાં આવેલ છે. દેશની આઝાદી માટે જે ક્રાંતિકારીઓએ પોતાનું યોગદાન આપ્યું છે તેને યાદ કરી, તેઓનું અને તેમના પરિવારજનોનું આ તિરંગા યાત્રામાં વિશેષ સન્માન કરવામાં આવશે. આ આયોજન અંતર્ગત મેયર ડૉ. પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, નાયબ કમિશનરઓ અનિલ ધામેલિયા અને ચેતન નંદાણીએ આ તિરંગા યાત્રામાં સામેલ થવા માટે સ્વાતંત્ર્ય સૈનિકો શ્રીમતિ મધુબેન સી. લાખાણી, શ્રીકાંતભાઈ અંબાલાલ ત્રિવેદી, શ્રીમતિ આર. એમ. ટાંક, લાભુબેન એચ. ઠક્કર, શ્રીમતિ તારાબેન મનસુખલાલ મણીયાર, શ્રીમતિ જે. જે. ટોપીયા, એમ. બી. શાહ અને લાભુબેન બાબુભાઈ રાવલના ઘેર રૂબરૂ જઈને તેઓના પરિવારજનોને નિમંત્રણ પાઠવ્યું હતું.

વિશેષમાં દરમ્યાન “હર ઘર તિરંગા” અભિયાનનું તા. ૧૩-૦૮-૨૦૨૩થી તા. ૧૫-૦૮-૨૦૨૩ દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આ દિવસો દરમ્યાન શહેરીજનો પણ સ્વયંભૂ જ સામેલ થઈ પોતાના ઘર કે સંસ્થા કે વ્યવસાયિક સ્થળે રાષ્ટ્રધ્વજ લહેરાવી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરશે, તેવી રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર એ આશા વ્યક્ત કરી હતી.

Related posts

Leave a Comment