હિન્દ ન્યુઝ, આણંદ
છેતરપિંડીના કેસમાં જપ્ત કરેલા વાહનોનો બારોબાર વહીવટ કર્યો હતો
આંકલાવ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ચૌહાણ અને પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ ગોહિલ સસ્પેન્ડ કરાયા
આણંદ પોલીસ વડા પ્રવીણકુમારના આદેશની અવગણના કરતા સજા મળી
આંકલાવ પોલીસ મથકમાં ફરજ બજાવતા બે જવાનોને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરતાં બેડામાં ચકચાર મચી ગઈ હતી. આ બન્ને જવાને છેતરપિંડીના કેસમાં જપ્ત કરેલા વાહનો પોલીસ મથકમાં જમા કરાવવાના બદલે તેનો બારોબાર વહીવટ કર્યો હતો.

આણંદના ચિખોદરા ગામમાં થોડાંક સમય પહેલાં રોમીલ પટેલ તેમજ અન્ય બે ઈસમો મળીને 60 થી વધુ લોકોની ફોર વ્હીલર ગાડીઓ અમુલ માં કોન્ટ્રાક્ટ તરીકે ફેરવવાના બહાને લઈને તે ગાડીઓ બારોબાર વેચી નાખી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જે તે સમયે આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો નોંધીને આ ગુનામાં સંડોવેલા બે ઈસમોને ઝડપી પાડ્યા હતાં. જ્યારે રોમીલ પટેલ વિદેશ ભાગી ગયો હોવાથી તે પોલીસના હાથ લાગ્યો ન હતો. બાદમાં આણંદ ગ્રામ્ય પોલીસ દ્વારા છ ગાડીઓ રિકવર કરીને મૂળ માલિકને સોંપવામાં આવી હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ચૌહાણ અને પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ ગોહિલ બે ગાડીઓ જપ્ત કરી હતી. પરંતુ બંને પોલીસ જવાનોએ આ ગાડીઓ પોલીસ મથકે જમા કરાવી ન હતી અને બારોબાર તેનો વહીવટ કરી નાખ્યો હોવાનું બહાર આવ્યું હતું.
મહત્વનું છે કે આ બાબતની જાણ જિલ્લા પોલીસવડા પ્રવિણકુમાર થતાં તેઓએ બંને પોલીસ જવાનોને બંને ગાડીઓ પોલીસ મથકે જમા કરાવવા માટે વારંવાર જણાવ્યા છતાં હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહએ બંને ગાડીઓ પોલીસ મથકે જમા કરાવી ન હતી. જેથી, સૂચનાઓનું પાલન ના કરતાં બને પોલીસ કર્મચારીઓ કડક કાર્યવાહી કરી જિલ્લા પોલીસ વડાેએ સસ્પેન્ડ કર્યા છે.
