હિન્દ ન્યુઝ, નવસારી
નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસ અને ડાંગ જિલ્લામાં પડી રહેલા અતિભારે વરસાદને પગલે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે નવસારી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ જિલ્લાના વરસાદી પરિસ્થિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી રાહત-બચાવ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ મંત્રીને તા. ૩૧/૦૭/૨૦૨૬ના સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધીની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧૧૪ ગામોના , મહાનગરપાલિકા તથા બે નગરપાલિકામાં કુલ ૬,૯૮૪ વ્યક્તિઓને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. જેમાં ૩૦ જુલાઈના ૨૦૨૬ના રોજ સ્થળાંતર કરાયેલા ૧,૫૨૪ તથા આજે નવા સ્થળાંતર કરાયેલા ૫,૪૬૩ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં સતત રેસ્ક્યુ અને સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેમજ વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ ઉપરાંત ઉપરવાસ તથા ડાંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના સંદર્ભે મંત્રીએ ડાંગ જિલ્લાના વહીવટી તંત્ર સાથે પણ ચર્ચા કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જિલ્લાની સુરક્ષા અને નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતીના પગલાં, આંતરજિલ્લા સંકલન, રાહત-બચાવ કામગીરી વધુ અસરકારક બનાવવા તેમજ જરૂરિયાત મુજબ ત્વરિત કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને માર્ગદર્શન અને જરૂરી સૂચનો આપ્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય, નિવાસી અધિક કલેક્ટર જે. એન. લિખિયા, સ્થાનિક પદાધિકારીઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
