ભારે વરસાદથી આડા પડેલા આંબાના ઝાડોને તાત્કાલિક ઉભા કરી યોગ્ય માવજત કરવા બાગાયત વિભાગની ખેડૂતોને અનુરોધ

હિન્દ ન્યુઝ, નવસારી 

   નવસારી જિલ્લામાં તા. ૨૨ અને ૨૩ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતી કાવેરી નદી તેમજ વિવિધ ખાડીઓના કાંઠા વિસ્તારની ૫ થી ૭ વર્ષ જૂની આંબાની વાડીઓમાં પાણીના ભારે પ્રવાહના કારણે અનેક સ્થળોએ આંબાના ઝાડો આડા પડી જવાની ઘટનાઓ બની હતી. આવા અનેક ઝાડો હજુ પણ મૂળ દ્વારા જમીન સાથે જોડાયેલા હોવાથી જો તેમને તાત્કાલિક અને કાળજીપૂર્વક સીધા ઉભા કરી મજબૂત ટેકા આપવામાં આવે તો તે બચી શકે તેવી પૂરી સંભાવના છે.

       આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, નવસારી તથા નવસારી કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ અને વૈજ્ઞાનિકોની સંયુક્ત ટીમ દ્વારા જિલ્લાના ગણદેવી, ચીખલી અને વાંસદા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લેવામાં આવી રહી છે. આ દરમિયાન ખેડૂતોને આડા પડેલા આંબાના ઝાડોની યોગ્ય માવજત અંગે પ્રાયોગિક માર્ગદર્શન અને તાલીમ પણ આપવામાં આવી રહી છે.

વૈજ્ઞાનિકોએ ખેડૂતોને આડા પડેલા ઝાડોને સાવચેતીપૂર્વક સીધા ઉભા કરી ચારેય બાજુથી મજબૂત ટેકા આપવા, ઝાડની ફરતે ભલામણ મુજબ ફૂગનાશક દવાનો ડ્રેન્ચિંગ કરવા તેમજ ઝાડ પરનો ભાર ઘટાડવા માટે જરૂરી ડાળીઓની છટણી (પ્રુનિંગ) કરવાની સલાહ આપી છે. આ પ્રકારની યોગ્ય અને સમયસરની માવજતથી ઝાડો ફરી સ્વસ્થ બની વિકાસ પામી શકે છે.

      બાગાયત વિભાગ દ્વારા જિલ્લાના તમામ ખેડૂતોને ખાસ અપીલ કરવામાં આવી છે કે જેમના નાના આંબાના ઝાડો ભારે વરસાદને કારણે આડા પડી ગયા હોય અને જેના મૂળ હજુ જમીન સાથે જોડાયેલા હોય, તેઓએ વિલંબ કર્યા વગર આવા ઝાડોને કાળજીપૂર્વક સીધા ઉભા કરી ભલામણ મુજબની માવજત હાથ ધરે.

વધુ માર્ગદર્શન અથવા તકનિકી સહાય માટે ખેડૂતો પોતાના તાલુકાના બાગાયત અધિકારીનો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની કચેરી, નવસારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment