હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
નસવાડી તાલુકામાં પડેલા અતિભારે વરસાદને કારણે હરિપુરા ગામ અને જલારામ મંદિર વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.જિલ્લા કલકેટરશ્રી ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના નૈતૃત્વમાં આરોગ્યની ટીમો દ્વારા વરસાદી પાણી ઓસર્યા બાદ આ વિસ્તારમાં રોગચાળો ન ફેલાય તે માટે હાઉસ ટુ હાઉસ સર્વે કરીને ક્લોરિન ટેબ્લેટ, ORS અને જરૂરી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પાણીજન્ય રોગચાળાને અટકાવવાના ભાગરૂપે આરોગ્ય ટીમ દ્વારા વિસ્તારમાં પીવાના પાણીનું ક્લોરિન ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સ્થાનિક રહીશોને પીવાના પાણીને યોગ્ય રીતે ઉકાળી તેમજ ક્લોરિનયુક્ત કર્યા બાદ જ ઉપયોગમાં લેવા માટે જરૂરી માર્ગદર્શન અને સમજ આપવામાં આવી હતી.
આ વિસ્તારમાં કોઈ રોગચાળો કે ચેપી રોગ ન ફેલાય તે હેતુથી લોકોને આરોગ્ય વિષયક જાગૃતિ અને સાવચેતીના પગલાં અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી.
