હજીરા ઓએનજીસી ખાતે ઓફસાઈટ ઈમરજન્સી સ્થિતિની સતર્કતા અંગે મોકડ્રીલ યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત
            સુરતના હજીરા સ્થિત ઓ.એન.જી.સી. પ્લાન્ટ ખાતે જિલ્લા ઓફસાઈટ ઈમરજન્સી પ્લાન અંગે આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ હતી. ઓ.એન.જી.સી. હજીરા પ્લાન્ટમાં નેશનલ હાઈવે-૫૩ને અડીને મટિરિયલ ગેટ ખાતે સવારે ૧૧.૪૦ વાગે અચાનક એલપીજી ગેસ ભરેલી ટ્રકમાંથી ગેસ લિકેજ થતા આગ લાગી હતી. જે અંગે તત્કાલ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-હજીરાને જાણ કરવામાં આવી હતી. ઈમરજન્સી કોલ મળતા ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. ઘટનાસ્થળે એક વ્યક્તિને ગેસની અસર થતા એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આગ પર કાબુ ન મેળવાતા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આગમાં ઘાયલ થયેલા વધુ બે ઈજાગ્રસ્તોને સ્થળ પરથી રેસ્ક્યુ કરીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. ટેન્કરમાં રહેલા પ્રવાહીને કારણે ટેન્કરની નીચે આગની જ્વાળા સતત વધી રહી હતી. જેથી ઉકળતા પ્રવાહીના કારણે ઉત્પન્ન થતી વરાળ વિસ્ફોટ કરે એવી સંભાવના ઊભી થઈ. પરિસ્થિતિ વણસી જતાં લોકલ ક્રાઈસીસ ગ્રુપે ડિસ્ટ્રિક્ટ ક્રાઈસીસને જાણ કરતા ડિસ્ટ્રીકટ ક્રાઈસીસ ગ્રુપના ચેરમેન અને ઓલપાડ પ્રાંત અધિકારી સી.કે.ઉધાડ અને મેમ્બર સેક્રેટરી એ.વી.ગોસ્વામી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય-સુરત તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આસપાસની ક્રિભકો, રિલાયન્સ, આર્સેલર, સુરત મનપાના ફાયર ફાઈટર વાહનો પણ આવી પહોચ્યા હતા. તમામના સામૂહિક પ્રયાસોને કારણે આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. મોકડ્રિલ બાદ લોકલ ક્રાઈસીસ ગ્રુપના ચેરમેન અને પ્રાંત અધિકારી સી.કે.ઉંધાડે જણાવ્યું કે, ડિઝાસ્ટર પ્લાનની શરૂઆત કરનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજય છે. વર્ષ ૨૦૦૩માં ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બાદ સમગ્ર દેશમાં ૨૦૦૫માં આ એક્ટ લાગુ કરાયો હતો. એશિયાના સૌથી મોટા ગોલ્ડન કોરિડોર એવા ભરૂચથી સુરત સુધીના પટ્ટામાં સૌથી વધારે કેમિકલ કંપનીઓ આવેલી છે. જેથી અહીં નાના-મોટા હેઝાર્ડની સંભાવના વધુ રહેતી હોય છે. જેથી કોઈપણ દુર્ઘટના બને ત્યારે સતર્કતા સાથે સૌએ પરસ્પર સહકારથી કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. નિયામક,ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ-સુરત કચેરી દ્વારા આયોજિત આ મોકડ્રીલમાં જિલ્લા ડિઝાસ્ટરના સૌ સભ્યો, ડી.સી.પી. ભાવનાબેન પટેલ, ડી.સી.પી. હેતલ પટેલ, એ.સી.પી. દીપ વકીલ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના અધિકારીઓ, SMC અધિકારીઓ, આર.ટી.ઓ, પોલીસજવાનો, જી.પી.સી.બી.ના અધિકારીઓ, સિવિલ ડિફેન્સ, ટ્રાફિક પોલીસ, ફાયર અને ઈમરજન્સી સેવાના સ્થાનિક તંત્રના અધિકારીઓ સહિત લોકલ ક્રાઈસીસ ગ્રુપના અન્ય સભ્યોએ મોકડ્રીલને સફળ બનાવી હતી. ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, સુરત દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment