બોટાદમાં બહેનોની સુરક્ષા માટે સતત તૈનાત ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા ૩,૩૭૨ બહેનોને સ્થળ પર જઇને મદદ કરવામાં આવી

મહિલાઓની પડખે ઉભેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી

હિન્દ ન્યુઝ, બોટાદ

મહિલાઓ અને બાળકોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી રાજ્ય સરકારની મહિલા અને બાળ અધિકારીની કચેરી મહિલાઓની સતત પડખે રહી તેમને પૂરતી મદદ કરવા હંમેશા તત્પર છે.

આ કચેરી મહિલાઓનાં સામાજિક અને આર્થિક ઉત્થાન માટે સરકારશ્રી દ્વારા અમલી અનેકવિધ યોજનાઓનો લાભ પ્રત્યેક જરૂરિયાતમંદ મહિલાઓ સુધી પહોંચાડવાની કામગીરી કરી રહી છે. બોટાદ જિલ્લાની મહિલા અને બાળ અધિકારીની કચેરી વિશે વાત કરીયે તો આ કચેરી દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ ૧૪,૯૦૯ લાભાર્થીઓને DBTના માધ્યમથી સહાય ચૂકવવામાં આવી રહી છે તેમજ ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના હેઠળ ૦૨ લાભાર્થીઓએ ઓનલાઇન અરજી કરી છે.

ઉપરાંત જિલ્લામાં વ્હાલી દીકરી યોજના હેઠળ ૩,૩૬૮ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે. આ તમામ દીકરીઓને આગામી સમયમાં સહાય ચૂકવવામાં આવશે. મુશ્કેલીમાં મુકાયેલ બહેનોને આશ્રય, તબીબી સહાય, કાયદાકીય સહાય, કાઉન્સેલિંગ સહિતની તમામ મદદ એક જ સ્થળેથી મળી રહે તે હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા બોટાદ જિલ્લામાં માર્ચ-૨૦૧૯થી સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર દ્વારા ૫૫૪ જેટલી બહેનોને આશ્રય આપી સમાજમાં પુન:સ્થાપિત કરવામાં આવ્યાં છે.

પોલીસ સ્ટેશનમાં આવતા બહેનોને જરૂરી કાઉન્સેલિંગ તથા કાયદાકીય મદદ મળી રહે તે માટે બોટાદમાં પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર પણ કાર્યરત છે. જેમાં આજદિન સુધીમાં ૨,૨૪૨ જેટલી બહેનોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ છે. બહેનોની સુરક્ષા માટે સતત તૈનાત ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા બોટાદ જિલ્લામાં આજદિન સુધીમાં ૩,૩૭૨ જેટલી બહેનોને સ્થળ પર જઇને મદદ કરવામાં આવી છે. મહિલાઓને સામાજિક, આર્થિક, શૈક્ષણિક તેમજ કાનૂની સમસ્યાઓના માર્ગદર્શન તેમજ તેમને જરૂરી સહાય મળી રહે તે હેતુથી બોટાદ જિલ્લામાં પાંચ વિવિધલક્ષી મહિલાકલ્યાણ કેન્દ્ર કાર્યરત છે. આ કેન્દ્રમાં મહિલાઓને મૂંઝવતા તમામ પ્રશ્નોનું સમાધાન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

Related posts

Leave a Comment