ભાવનગર
ભાવનગરના સેલાણા ગામનો નાનકડો બાળક બાળપણથી જ સાંભળી શકતો નહોતો અને ન સાંભળી શકવાને કારણે તે બોલી પણ શકતો ન હતો. આ પરિસ્થિતિ તેના માતા પિતા માટે ખૂબ જ અકડાવનાર હતી. શું કરવું તે સમજાતું નહોતું. આ સમયે જિલ્લા બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમની મદદથી આવ્યો અને તે દ્વારા તેમને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ કઢાવવા માટેની
જરૂરી સમજણ સાથે તમામ મદદ કરવામાં આવી અને પીએમ જય કાર્ડ કાઢી આપવામાં આવ્યું. આ બાળકના પિતા દર્શનભાઈ રોહિતભાઈએ જણાવ્યું કે, મારું બાળક નાનપણથી જ સાંભળી શકવાની તકલીફ ધરાવતું હતું. બે- ત્રણ વર્ષ તેના માટે આમથી તેમ દોડ્યો. ઘણાં દવાખાના બદલ્યાં પરંતુ પરિસ્થિતિમાં ફરક ન આવ્યો. આ સમયે આશા બહેને મને મદદ કરી આ કાર્ડ કઢાવી આપ્યું. આ ઓપરેશન રાજ્ય સરકાર દ્વારા મફત થઈ શકે તેવી જાણકારી આપી હતી. આ કાર્ડ કઢાવીને સૌ પ્રથમ અમદાવાદ અને ત્યારબાદ સર ટી. હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું. આ ઓપરેશન જો બહાર હું કરાવવા જાઉં તો રૂ. ૧૦ થી ૧૨ લાખ રૂપિયાનું પડે તે પ્રકારનું આ ઓપરેશન હતું. પરંતુ આ કાર્ડને સથવારે મને આ ઓપરેશન બિલકુલ મફત થઈ ગયું હતું. અને તે પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર સફળ ઓપરેશન થયું હતું. મારા બાળકને નવો શ્વાસ આપવાનું કાર્ય, નવી જીભ આપવાનું કાર્ય આ કાર્ડે કર્યું છે. આ માટે જેટલો રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર માનીએ તેટલો ઓછો છે. અત્યારે મારું બાળક ઓપરેશન
થયાં બાદ ધીમે-ધીમે થોડું થોડું બોલવાં પણ લાગ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમારાં જેવાં ગરીબ લોકો માટે જે પ્રકારે આ યોજનાનો ફલક વિસ્તાર રહ્યાં છે. તે ખરેખર અભિનંદનને પાત્ર છે તેમ તેમણે ગળગળા શ્વરે જણાવ્યું હતું.