હિન્દ ન્યુઝ, ભુજ
૧૪ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત કચ્છ ભુજના સંયુકત ઉપક્રમે રાપર નગરપાલિકા ટાઉનહોલ ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ કંકુબેન આહિર ચેરમેન મહિલા અને બાળ વિકાસ યુવા સમિતિ જિલ્લા પંચાયત કચ્છ-ભુજના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત કિશોરીઓ દ્વારા સ્વાગત ગીતથી કરવામાં આવી હતી તેમજ સીડીપીઓ જે.કે.પરમાર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દિપ પ્રાગટય કરાયું હતું.
આ કાર્યક્રમમાં વિષયને અનુરૂપ નારી અદાલતની સમજ, મહિલા સશક્તિકરણ, મહિલાઓને બંધારણથી મળેલ હકો તથા અધિકારો, મહિલા વિષયક તમામ યોજનાઓની જાણકારી જેવી કે મહિલા બાળ કલ્યાણ, આરોગ્ય, શિક્ષણ અને સમાજ સુરક્ષાને લગતી વિવિધ યોજનાઓ વિશે સી.ડી.પી.ઓ જે.કે.પરમાર, મેરીબેન વાણીયા એડવોકેટ એન્ડ નોટરી, સેજલબેન ઈસાર સંસ્થા રાપર, આંગણવાડી વર્કર સોનલબેન મઢવી વગેરે મહાનુભાવો દ્વારા માહિતી આપવામા આવી હતી.
આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ રૂપે અમરતબેન વાવિયા, પ્રમુખ રાપર નગરપાલિકા તેમજ કે.વી.મોઢેરા, તાલુકા વિકાસ અધિકારી રાપર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્રભાઈ હોથી દ્વારા કરવામાં આવ્યું હતું અને મુખ્ય સેવિકા પુર્વીબા એસ.વાઘેલા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈસીડીએસ કચેરીનો સમગ્ર સ્ટાફ, મુખ્ય સેવિકા બહેનોએ, સીડીપીઓના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી હતી તેવું બાળ વિકાસ યોજના અધિકારી રાપર કચ્છની અખબારીયાદીમાં જણાવાયું છે.